બનાસકાંઠા: લાખણીના મોટાકાપરા, લાલપુરમાંથી બે મુન્નાભાઈ ઝડપાયા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાખણી તાલુકા હેલ્થ અધિકારી પુનમારામ ચૌધરીએ ટિમો બનાવીને આવા મુન્નાભાઈઓને પકડવા કાર્યવાહી કરી હતી.
જેમાં મોટાકાપરા અને લાલપુર ગામમાં સ્થળ ઉપર મળી આવેલા બોગસ ડોકટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બે મુન્નાભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને દવાખાનામાં દર્દીઓને આપવામાં આવતી એલોપેથીક દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે.
સ્થળ ઉપર મળી આવેલા બોગસ ડોકટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં કોઈ વ્યક્તિ કોઈ ડોકટર પાસે નોકરી કરીને નાનો મોટો અનુભવ મેળવીને શોર્ટકટમાં તગડા રૂપિયા કમાવવાની લાહ્યમાં દર્દીઓના સ્વાથ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.અને કોઈપણ પ્રકારની ડીગ્રી વગર આરોગ્ય વિભાગની આંખમાં ધૂળ નાખી ગામડાઓની અભણ અને વિશ્વાસુ પ્રજાની લાગણીઓનો લાભ લઇ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરતા હોવાની અસંખ્ય વાર ફરીયાદો ઉઠી હતી.
આ મુન્ના ભાઈઓ ભારે ડોઝની દવાઓ,ગોળીઓ,ઇન્જેક્શનો અને બાટલા ચડાવીને રૂપિયા લઈ રહ્યા છે. એ દવા-ગોળીથી વ્યક્તિના શરીરમાં ભવિષ્યમાં કેટલું નુકશાન થાય છે એની બિલકુલ ચિંતા કરતા નથી. આવા ડીગ્રી વગરના ડોકટરોની હાટડીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ સમયે સમયે જાગૃત લોકો દ્વારા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરતા ડીગ્રી વગરના છુંમંતર
ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી બન્ને આવા ડીગ્રી વગરના ડોકટરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા લાખણી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ટિમ બનાવીને છેલ્લા કેટલાક દિવસોથી રેડ કરે છે. ક્યાંક બોગસ ડોક્ટર મળે છે, તો વળી ક્યાંક ફેરો પડે છે, પરંતું આરોગ્ય વિભાગે સપાટો બોલાવતાં ડીગ્રી વગરના બોગસ ડોક્ટરો દવાઓ સગેવગે કરીને છુંમંતર થઈ ગયા છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા મોટાકાપરામાં રેડ કરવામાં આવી હતી.
જેમાં ગિરીશ ખત્રી નામના બોગસ ડોક્ટરને ઝડપી દવાઓ કબજે લઈને ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે લાલપુર ગામમાં ડૉ. સુનિલ ચૌધરી(બી.એ.એમ.એસ)ની ડિગ્રીના ઓથા હેઠળ હરેશ મલાજી વાઘેલા નામના બોગસ ડોકટરને દવાઓ સાથે પકડીને થરાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીના પગલે હાલ તો આ ડીગ્રી વગરના બોગસ ડોકટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પણ સમય આવે પુનઃ એમની સામે પણ કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો :બનાસકાંઠા: સ્પર્ધાત્મક પરીક્ષા યોજવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ