Ahmedabad : દવાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
અસલાલી પોલીસે દવાની પેટીઓની આડમાં વિદેશી દારૂ, બિયરના ટીન હેરાફેરી કરવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે બે ટ્રકમાં લાવેલા 40 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના ટીન કબજે કર્યા છે. બે ટ્રક સહિત રૂ.99 લાખ 63 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ રેકેટમાં આઠ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બે ટ્રકમાંથી દારૂની રિકવરી સંદર્ભે બે અલગ-અલગ એફઆઈઆર નોંધી છે. પકડાયેલા આરોપીઓમાં ટ્રક ડ્રાઈવર સુનીલ કુમાર ઉર્ફે મોનુ રાજપૂત (40), ક્લીનર શુભમ પંડિત (23), અન્ય ટ્રકનો ડ્રાઈવર વિજય રાજપૂત (45), ફુરકાન અલી (32), નમન સિંહ સિહાગ (21), ટ્રાન્સપોર્ટર બ્રિજેન્દ્ર કુમાર શર્મા (21)નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે ટ્રકમાં દવાઓની આડમાં વિદેશી દારૂ અને બિયરના ટીન લાવવામાં આવી રહ્યા છે. ત્યારપછી આ દારૂ અન્ય વાહનો મારફતે ગુજરાતના અન્ય સ્થળોએ મોકલવામાં આવનાર છે. આ ટ્રકો અસલાલી સર્કલની આસપાસ ક્યાંક અટકી જતી હોય છે. બાતમીના આધારે પોલીસ વોચ રાખી હતી આ દરમિયાન એક ટ્રક દેખાઈ હતી જે થોડીવારમાં ગાયબ થઈ ગઈ હતી. ટીમોની તપાસમાં ટ્રક રાઘવાંજ બ્રિજ પાસે એક હોટલની પાછળના ખેતરમાં પાર્ક કરેલી મળી આવી હતી. આસપાસ અન્ય વાહનો પણ હતા. દરોડો પાડતા વિદેશી દારૂના 203 નંગ મળી આવ્યા હતા. પૂછપરછના આધારે બીજી ટ્રક પણ મળી આવી હતી અને તેની તલાશી લેતા તેમાંથી પણ દારૂ મળી આવ્યો હતો. બાદમાં બંને ટ્રકો જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દેશમાં 163 દિવસ બાદ એક દિવસમાં ચાર હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, 15ના મોત
બંને ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 11646 બોટલો અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 4016400 થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર નમન સિંહ જાટ નામના ટ્રક ડ્રાઈવરે દેહરાદૂનની હેમા લેબોરેટરીમાંથી એક ટ્રકમાં 732 કાર્ટૂન દવા ભરી હતી. આ ટ્રક લઈને તે પંજાબના તરંગતારા ગયો હતો. જ્યાં આ પેટીઓ બે ટ્રકમાં અલગથી રાખવામાં આવી હતી અને દવાઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ પણ ટ્રકોમાં રાખવામાં આવી હતી. અસલાલીથી દારૂ ક્યાં મોકલવાનો હતો તે બ્રિજેન્દ્ર કુમાર શર્માએ નક્કી કર્યું હતું. તે ટ્રાન્સપોર્ટર છે. પૈસા વસૂલવા અને અન્યત્ર દારૂ મોકલવા માટે તે ચંદીગઢથી પ્લેન મારફતે અસલાલી પહોંચ્યો હતો, એ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.