ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ત્રણ સપૂતોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા, જાણો કોણ છે તે હસ્તીઓ

નવી દિલ્હી ખાતે બુધવારે સમગ્ર ગુજરાત રાજયને ગૌરવ થાય તેવી ઘટના બની હતી. જેમાં ગુજરાતની ત્રણ વિભૂતિઓને સર્વોચ્ચ એવોર્ડ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જેમાં ભજનીક તરીકે જાણીતા ભજન સમ્રાટ હેમંત ચૌહાણને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતી ભજન, ગરબા જેવા લોકસંગીતમાં તેમનું અમૂલ્ય યોગદાન છે. આ ઉપરાંત સમકાલીન કલામાં, પ્રેમજીત બારિયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકારની જાહેરાત બાદ સવાયા ગુજરાતીઓને આજે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુરના પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા હતા. તેમજ ગુજરાતના ઉદ્યોગપતિ અને રસના ફેઇમ અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વિજેતાઓનાં નામ જાહેર કરાયા હતા

બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રીથી વિવિધ ક્ષેત્રમાં પોતાનું આગવુ પ્રદાન આપવા બદલ આ સવાયા ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 8 સવાયા ગુજરાતીઓને વિશેષ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતી ભજનીક એટલે હેમંત ચૌહાણ

રાજકોટના કુંદણી ગામે જન્મેલ હેમંત ચૌહાણનું ભજન ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. હેમંત ચૌહાણ એટલે એક એવુ નામ કે જેણે પોતાના સ્વરથી ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ઉભુ કર્યુ છે. તેમણે ગુજરાતીમાં ભજન-સંતવાણી, ગુજરાતી ગરબા સહિત અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના અવાજ આપ્યો છે. આ સાથે પોતાના સ્વરનું કરોડો ગુજરાતીઓને રસપાન કરાવ્યું છે. તેઓ ગુજરાતી ભજનીક તરીકે આગવી ઓળખ ધરાવે છે. હેમંત ચૌહાણને ગુજરાતી ભજનના સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ હેમંત ચૌહાણની આગવી વિશેષતા રહી છે.

પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા

ગુજરાતના છોટાઉદેપુરના પીથોરા શૈલીના ચિત્રકાર પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયા હતા. પરેશ રાઠવા છોટાઉદેપુરના કવાંટમાં રહેવાસી છે અને વર્ષોથી આદિવાસીઓના દેવ બાવાદેવ પીથોરાના લખાનાર તરીકે આગવી ઓળખ ધરાવે છે. છોટાઉદેપુરના જિલ્લાની ઓળખ સમા પિઠોરાના ચિત્રો એ માત્ર ચિત્રો નથી પણ પ્રાચીન સમયની એક લિપિ છે. પિથોરા દોરવામાં નહીં પરંતુ લખવામાં આવે છે. તેમણે આ પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે. તેના બદલ તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ અપાયો

ગુજરાતના ઉદ્યોગપતિ અને રસના ફેઇમ અરીઝ ખંભાતાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અરીઝ ખંભાતા બેનેવોલેન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન પણ હતા. તેઓ વર્લ્ડ અલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તીના પૂર્વ ચેરમેન તરીકે પણ રહી ચુક્યા હતા.આ ઉપરાંત અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. ખંભાતા લોકપ્રિય ઘરેલુ પીણાની બ્રાન્ડ રસના માટે જાણીતા છે. જેનું દેશની 18 લાખ દુકાનો પર વેચાણ થાય છે. તેમને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

Back to top button