બનાસકાંઠા: ડીસા – રાધનપુર હાઇવે પર ટ્રક ચાલકને હૃદય રોગનો હુમલો આવ્યો, સારવાર માટે ખસેડતા મોત નિપજ્યું
પાલનપુર: છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના હુમલાની ઘટનાઓમાં અચાનક જ વધારો થયો છે. હવે જાડા કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવે તેવું રહ્યું નથી. નાની ઉંમરે પણ હૃદય રોગના હુમલાઓની ઘટના બની રહી છે. જેમાં અનેકના મોત નીપજ્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ક્રિકેટ રમતા, લગ્ન પ્રસંગમાં નાચતા, કસરત કરતા અને સ્કૂટર ઉપર બેઠા બેઠા પણ હૃદય રોગ ના કારણે મોત થયાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે બુધવારે સવારે રાધનપુર – ડીસા રોડ ઉપર એક ટ્રક ચાલકને અચાનક જ હૃદય રોગનો હુમલો થતા તેને સારવાર માટે ખસેડાય તે પહેલા જ મોત નિપજ્યું હતું.
કાંકરેજના ખોડલા પાસે હોટલ નજીક બનેલી ઘટના
કાંકરેજ તાલુકાના ખોડલા ગામ નજીક આવેલી એક હોટલ પાસે ટ્રક ચાલકને અચાનક જ ગભરામણ થતા સમય સૂચકતા વાપરીને ટ્રક ચાલકે પોતાની ટ્રકને રસ્તાની બાજુમાં જ પાર્ક કરી દીધી હતી. અને ટ્રકમાંથી નીચે ઉતરતા જ તે બેભાન થઈ ગયો હતો. દરમિયાન નજીકમાં આવેલી હોટલના માલિકે આ ચાલકને તાત્કાલિક સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આજુબાજુના ટ્રકચાલકો ભેગા થઈ ગયા હતા. આમ હૃદય રોગના હુમલાની વધી રહેલી ઘટનાઓને લઈ લોકોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના મહાદેવીયા ગામે દારૂબંધીનો અમલ કરાવવા પોલીસને રજૂઆત