ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દાંતામાં મુખ્ય માર્ગ પર છજા કાઢી દબાણ કરનારા 15 જેટલા દુકાનદારોને નોટિસ

Text To Speech

પાલનપુર: દાંતાના જાહેર માર્ગ પરની દુકાનો આગળ છજા કાઢી માર્ગ અવરોધતા અને ટ્રાફિક સમસ્યા ઉભો કરતા 15 જેટલા દબાણદારોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણ દિવસમાં દબાણ દૂર નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

તાલુકા મથક દાંતામાં પ્રવેશતાં જ નગર તરફ જવાના મુખ્ય માર્ગ પર 15 જેટલા દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી વાણિજ્ય એકમો આગળ છજા કાઢી દેવામાં આવ્યા છે. જેને લઈને માર્ગ અવરોધવા સાથે ટ્રાફિકની સમસ્યા જટીલ બની રહી છે.

ત્રણ દિવસમાં દબાણ દૂર નહીં કરાય તો કડક કાર્યવાહી

જેના નિરાકરણ અર્થે દાંતા ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને મૌખિક ચેતવણી પણ આપવામાં આવી હતી. જો કે કેટલાક પ્રબુદ્ધ વેપારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ કેટલાક વેપારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા ગ્રામ પંચાયત દ્વારા પંદર જેટલા દબાણદારોને નોટિસ ફટકારવામાં કરવામાં આવી છે. અને જો ત્રણ દિવસમાં દબાણ દૂર નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, દાંતા નગરમાં પ્રવેશતાં મુખ્ય માર્ગને અડીને રેવન્યુ સર્વે નંબર 111માં મોટાભાગની દુકાનો આવેલી છે. જેમાં તંત્ર દ્વારા જે-તે સમયે ચોક્કસ માપ આધારીત જમીન નીમ કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન સમયમાં આ સરકારી જમીન પર આગળ અને પાછળ આમ બન્ને તરફે ગેરકાયદેસર રીતે મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. જોકે એક વર્ષ અગાઉ પણ આ દબાણદારોને રેવન્યુ વિભાગ દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :SBI સર્વર ડાઉન : બેંકની ઓનલાઈન સેવાઓ ઠપ થતા ગ્રાહકો પરેશાન

Back to top button