મહિલાઓએ નિર્મલા સીતારમણને રાંધણ ગેસને લઈને પૂછ્યો આ સવાલ, જાણો શું કહ્યું નાણાંમંત્રીએ !
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના એક ગામમાં ગૃહિણીઓને મળ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ રાંધણગેસના ભાવ ઘટાડવા અનુરોધ કર્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે રાંધણ ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી કરવામાં આવે છે. માહિતી અનુસાર, નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજ્ય મંત્રી એલ મુરુગન સાથે 2024ની ચૂંટણી અંતર્ગત પ્રચાર શરૂ કરવા માટે તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના પઝયાસીવરમ ગામની મુલાકાત લીધી હતી. નાણામંત્રીએ ગામની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો : માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો શુભારંભ
નાણામંત્રીએ ગ્રામજનોને પૂછ્યું કે શું તેઓને સરકારે જાહેર કરેલા લાભો મળ્યા છે. ત્યારબાદ ગામની ગૃહિણીઓના સમૂહે વાતચીત દરમિયાન તેમને રાંધણગેસના ભાવ ઘટાડવા વિનંતી કરી. તેના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે રાંધણ ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી કરવામાં આવે છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આપણા દેશમાં રાંધણગેસ નથી, અમે ફક્ત તેને આયાત કરીએ છીએ. જ્યારે આપણે તેની આયાત કરીએ છીએ ત્યારે ભાવની વધઘટ પણ ત્યાંથી જ નક્કી થાય છે. આ દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં તેમાં બહુ ઘટાડો થયો નથી.