રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારોનો લાભ લેવા માટે આજે ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો. રાજ્યના અરજદારો આજથી એટલે કે તા. 3 એપ્રિલથી આગામી બે મહિના સુધી આ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો : કમોસમી વરસાદ : સરકારે કરેલ સહાયની જાહેરાત સામે ખેડૂતોને નુકસાન વધુ, યોગ્ય સહાયની ખેડૂતોની માંગ
રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં સૌથી મહત્વની અને 100% સિદ્ધી પ્રાપ્ત કરનારી યોજના માનવ કલ્યાણ યોજના છે. આ યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. www.e-kutir.gujarat.gov.in વેબસાઈટ પરથી રાજ્યના અરજદારો આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે. છેવાડાના નાગરીકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટેની આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને જિલ્લા કક્ષાએ હેલ્પડેસ્ક શરૂ કરવા મંત્રીએ સુચન કર્યુ હતું. આ યોજના અંતર્ગત ઓનલાઈન પોર્ટલને પરિણામે ગત વર્ષે ઓફલાઈનની સરખામણીમાં બમણી એટલે કે 1,89,000થી વધુ અરજીઓ આ વિભાગને મળી હતી. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી પામેલ અરજદારોને જ વિનામુલ્યે સાધન/ઓજાર આપવામાં આવે છે. જેના પરિણામે અરજીઓની પસંદગી માટે ડ્રોની પ્રક્રિયા પારદર્શી અને ખુબ જ સરળ બની છે.