કારગીલમાં બૌદ્ધ યાત્રાધામનો મુસ્લિમ સંગઠનો વિરોધ કેમ કરી રહ્યાં છે?
નેશનલ ડેસ્કઃ હાલમાં લદ્દાખના કારગિલ જિલ્લા મુખ્યાલયનો એક બોદ્ધ સાધુઓની યાત્રા ખૂબ જ ચર્ચામાં રહી છે. કારણ કે ધર્મગુરુ ચોસ્કીયોંગ પલ્ગા રિનપોચે તેમના અનુયાયીઓ સાથે મુસાફરી કરી રહ્યા છે અને તેમને કારગીલમાં એક વિવાદાસ્પદ સ્થળે મઠનો પથ્થર મૂકવો છે. મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આનાથી માહોલ બગડી શકે છે.
કારગિલ જિલ્લા મુખ્યાલયમાં બૌદ્ધ મઠ તરફની આ શાંતિ કૂચને લઈને તણાવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ડેઈલી ટ્રિબ્યુનના એક અહેવાલ મુજબ, કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના બેનર હેઠળ કેટલાક ઈસ્લામિક સંગઠનોએ શાંતિ માર્ચને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો છે. ઈસ્લામિક સંગઠનોએ જિલ્લા વહીવટીતંત્રને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે, પદયાત્રા રાજકીય ઈરાદાથી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.
બીજી તરફ લેહથી નીકળેલી શાંતિ કૂચ કારગીલ નજીક મુલબેખ હેડક્વાર્ટર પહોંચી છે. કારગીલ પહોંચતા સુધીમાં તેમાં બૌદ્ધ સમુદાયના લગભગ એક હજાર લોકો સામેલ થશે. આ યાત્રા 31 મેના રોજ શરૂ થઈ હતી અને 14 જૂને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા કારગીલમાં સમાપ્ત થશે. રિપોર્ટ અનુસાર, સામાજિક અને ધાર્મિક સંગઠનોના સંગઠન કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA)એ ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે, આ કૂચ રાજકીય રીતે પ્રેરિત છે અને લદ્દાખમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે.
જો કે બીજી તરફ શનિવારે લદ્દાખ બૌદ્ધ એસોસિએશન (LBA)ની કારગીલ શાખાના પદાધિકારીઓએ શાંતિ પદયાત્રા અંગે ચર્ચા કર્યા બાદ સર્વસંમતિથી પદયાત્રાને બિનશરતી સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો. એલબીએ યુથ વિંગ, મહિલા એકમ, ગોબા અને કારગીલ શાખા હેઠળના તમામ ગામોના પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતામાં, એસોસિએશનના કારગીલ પ્રમુખ, સ્કર્મા દાદુલ અને અન્ય પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર બૌદ્ધ સમુદાયના ઠમા ચોસ્ક્યોંગ પલ્ગા રિનપોચે ની આગેવાની હેઠળની શાંતિ પદ યાત્રાના સમર્થનમાં છે.
KDA એ આ મામલે લદ્દાખ બૌદ્ધ એસોસિએશન (LBA) ના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી છે. બંને સંસ્થાઓ સંમત થયા હતા કે, આ મુદ્દાનો સૌહાર્દપૂર્વક ઉકેલ લાવવો જોઈએ.
કારગિલ જિલ્લાના મુખ્ય બજારમાં વર્ષ 1961માં બૌદ્ધ મઠની એક માળની ઇમારત બનાવવામાં આવી હતી. એલબીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારે બે કનાલ જમીન પર બાંધકામની પરવાનગી આપી હતી, પરંતુ રાજકીય દબાણને કારણે 1969માં બૌદ્ધ મઠનું વિસ્તરણ અટકાવી દેવામાં આવ્યું હતું. હાલમાં આ મઠમાં બૌદ્ધ ધર્મના પુસ્તકો અને સાહિત્ય છે. અહીં બૌદ્ધ પદ્ધતિ પ્રમાણે પૂજા પણ કરવામાં આવે છે.