બનાસકાંઠા: ડીસામાં આંબલી કુવા શોપિંગ સેન્ટરના છતના પોપડા પડતા દોડધામ
પાલનપુર: ડીસા નગરપાલિકા દ્વારા વર્ષો અગાઉ બનાવવામાં આવેલા ડીસા શહેર પોલીસ સ્ટેશનની સામેના આંબલી કુવા શોપિંગ સેન્ટરની છતના પોપડા પડતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ અંગે વેપારીઓ દ્વારા કરાયેલી રજૂઆત સામે પાલિકા દ્વારા આંક આડા કાન કરવામાં આવ્યા હતા. જેને લઈને વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
જર્જરિત બનેલા શોપિંગ સેન્ટર ની મરામત અંગે પાલિકાના આંખ આડા કાન
ડીસા શહેરમાં પાલિકા દ્વારા ઘણા શોપિંગ સેન્ટરોનું બાંધકામ કરવામાં આવ્યું છે. જે પૈકીના કેટલાક શોપિંગ સેન્ટરો અત્યારે જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયા છે. અરે શોપિંગ સેન્ટર જ નહીં પાલિકાની ઓફિસનો કેટલોક ભાગ પણ જર્જરીત થયો છે. જેમાં થોડા દિવસ અગાઉ જ તેની છતના પણ પોપડા તૂટી પડ્યા હતા. ત્યારે આજે સોમવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ની સામે આવેલા આંબલી કુવા શોપિંગ સેન્ટર ના જર્જરીત બની ગયેલા છતનો કેટલોક ભાગ પોપડા સાથે તૂટી પડ્યો હતો. જો કે સદભાગ્ય આ સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાની થવા પામી ન હતી.
આ શોપિંગ સેન્ટર જર્જરીત થઈ ગયું હોવાથી તેની મરામત માટે બે વર્ષ અગાઉ અહીંના વેપારીઓ દ્વારા પાલિકા કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજ દિન સુધી શોપિંગ સેન્ટરની કોઈપણ પ્રકારની મરામત કરવામાં આવી નથી. જેને લઈને આજે છતના પોપડા પડતા જ છતની ખીલાસરીઓ બહાર ડોકાવા માંડી છે. શું નગરપાલિકાના સત્તાવાળાઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે ? તેવા પ્રશ્નો વેપારીઓમાં પુછાઈ રહ્યા છે. આગામી દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ? આ અંગે વેપારીઓએ પાલિકા ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે અને વહેલી તકે આ શોપિંગ સેન્ટરની મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો :આવી ગઇ કોરોનાની ચોથી લહેર ? સપ્તાહમાં કેસ બમણા