ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈમરાન ખાનનો શાહબાઝ શરીફને ખુલ્લો પડકાર, કહ્યું- ચૂંટણી જીતીને બતાવો

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની રાજનીતિમાં ઉથલપાથલનો કાળ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. સત્તામાંથી બહાર આવતાની સાથે જ ઈમરાને શાહબાઝ શરીફની નવી સરકાર સામે મોરચો માંડી દીધો હતો અને સતત સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન લાંબા સમયથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હવે ઈમરાન ખાને શાહબાઝ શરીફને નવો પડકાર ફેંક્યો છે.

પાકિસ્તાની જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર, ઈમરાન ખાને શાહબાઝ શરીફ અને તેમના નેતૃત્વ હેઠળના ગઠબંધનને આગામી ચૂંટણી જીતવા માટે પડકાર ફેંક્યો છે. ઈમરાને કહ્યું છે કે, શરીફ સરકારનું ચૂંટણી જીતવું ખરેખર અસંભવ છે. ગઠબંધનથી રચાયેલો શાસકપક્ષ અમારા જેટલો પ્રચાર કરી શકશે નહીં. ખાને કહ્યું કે, સરકાર પીટીઆઈના કાર્યકર્તાઓ અને નેતાઓ સામે કેસ નોંધી રહી છે જેથી તે કોઈપણને જેલમાં મોકલી શકે.

રિપોર્ટ અનુસાર, ઇમરાને એમ પણ કહ્યું કે, વર્તમાન સરકાર માટે ચૂંટણી પ્રચાર ચલાવવો ખૂબ જ મુશ્કેલ હશે. કારણ કે પીટીઆઈ આગામી ચૂંટણી માટે પૂરજોશમાં કામ કરી રહી છે. ઈમરાન ખાને 25 મેના રોજ યોજાયેલી તેમની ‘આઝાદી માર્ચ’ વિશે કહ્યું હતું કે ગયા મહિને ઈસ્લામાબાદમાં પાર્ટીની ‘આઝાદી માર્ચ’ બાદ સરકારે પીટીઆઈના સભ્યો વિરુદ્ધ નકલી એફઆઈઆર નોંધી છે.

બીજી તરફ જાણકારોના મતે ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઈમરાન ખાનની ક્યારે અને કેવી રીતે ધરપકડ થઈ શકે છે. તેણે કહ્યું હતું કે, ઈમરાન ખાનને 2 જૂનના રોજ ત્રણ અઠવાડિયા માટે ટ્રાન્ઝિટ જામીન આપવામાં આવ્યા હતા. તેની જામીન 23મીએ પૂરી થઈ રહી છે, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવશે.

ડોને તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ઈમરાન વિરુદ્ધ રમખાણો, દેશદ્રોહ અને અરાજકતા ફેલાવવાના મામલામાં બે ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને ઈમરાન ખાન દ્વારા આયોજિત આઝાદી માર્ચ દરમિયાન પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. રાવલપિંડી, લાહોર, કરાચી અને રાજધાની ઈસ્લામાબાદમાં પણ પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી.

Back to top button