- લખનૌ સુપર જાયન્ટ્સે ફટકાર્યા 193 રન
- કેરેબિયન ક્રિકેટર કાયલ મેયર્સની 73 રનની શાનદાર ઇનિંગ
- દિલ્હીની ટીમ 20 ઓવરમાં 143 રન જ બનાવી શકી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં વિસ્ફોટક મેચોનો તબક્કો ચાલુ છે. શનિવારે (01 એપ્રિલ) રમાયેલી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું. 194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી હતી. લખનૌ સુપર જાયન્ટ્સની જીતનો હીરો હતો કેરેબિયન ક્રિકેટર કાયલ મેયર્સ જેણે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ ઈંગ્લિશ ફાસ્ટ બોલર માર્ક વૂડે પણ ઘાતક બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી.
દિલ્હીની સારી શરૂઆત બાદ ધબડકો થયો
194 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે સારી શરૂઆત કરી હતી અને ડેવિડ વોર્નરે પૃથ્વી શૉ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા હતા. માર્ક વૂડે સતત બે બોલમાં વિકેટ લઈને દિલ્હીને ઊંડો ઝટકો આપ્યો હતો. વુડે પહેલા પૃથ્વી શૉને બોલ્ડ કર્યો, પછીના બોલ પર મિશેલ માર્શને પણ બોલ્ડ કર્યો. વુડે તેની આગામી ઓવરમાં વિકેટકીપર સરફરાઝ ખાનને આઉટ કર્યો. ગૌતમના હાથે ઝડપાયો હતો. જેના કારણે દિલ્હીનો સ્કોર સાત ઓવરમાં ત્રણ વિકેટે 48 રન થઈ ગયો હતો. અહીંથી દિલ્હીના બેટ્સમેનોએ અંત સુધી સંઘર્ષ કર્યો હતો.
ડેવિડ વોર્નરે 48 બોલમાં 56 રન બનાવીને સંઘર્ષ કર્યો
જોકે દિલ્હી તરફથી રિલે રોસો અને ડેવિડ વોર્નરે ચોથી વિકેટ માટે 38 રન ઉમેરીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી રન-રેટ ઘણો વધી ગયો હતો અને દિલ્હીની ટીમ બેકફૂટ પર રહી હતી. રિલે રોસો 30 રન બનાવીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બિશ્નોઈએ પણ રોવમેન પોવેલને LBW આઉટ કર્યો, 94 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હીની આશાઓ પર પાણી ફરી વળ્યું. ડેવિડ વોર્નરે 48 બોલમાં 56 રન બનાવીને ચોક્કસ સંઘર્ષ કર્યો હતો, પરંતુ તે જીતવા માટે પૂરતો નહોતો. લખનૌ તરફથી વુડની પાંચ વિકેટ ઉપરાંત રવિ બિશ્નોઈ અને અવેશ ખાને બે-બે વિકેટ ઝડપી હતી.
દિલ્હી કેપિટલ્સની આ રીતે વિકેટ પડી
પ્રથમ વિકેટ – પૃથ્વી શો 12 રન (41/1)
બીજી વિકેટ – મિશેલ માર્શ 0 રન (41/2)
ત્રીજી વિકેટ – સરફરાઝ ખાન 4 રન (48/3)
ચોથી વિકેટ – રિલે રોસો 30 રન (86/4)
પાંચમી વિકેટ – રોવમેન પોવેલ 1 રન (94/5)
છઠ્ઠી વિકેટ – અમન ખાન 4 રન (112/6)
સાતમી વિકેટ – ડેવિડ વોર્નર 56 રન (113/7)
આઠમી વિકેટ – અક્ષર પટેલ 16 રન (139/8)
નવમી વિકેટ – ચેતન સાકરિયા 4 રન (143/9)