બનાસકાંઠા : પાલનપુરના મડાણા ગઢ ગામે નવીનીકરણ કરાયેલા સ્મશાનમાં યોજાયો ડાયરો
પાલનપુર : પાલનપુર તાલુકાના મડાણા ગઢ ગામે ગામલોકોના સહયોગથી હિન્દુ મુક્તિધામ, મડાણા ગઢ લડબી નદીના કિનારે આવેલા શંકર ભગવાનના મંદિર પાસે સ્મશાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં ગામમાં સ્મશાનભૂમિની જગ્યા બહુજ નાની પડતી હતી.જેને લઈને ગામના તમામ સર્વજ્ઞાતિના આગેવાનો અને યુવાનો એક સાથે મળી ગામની સ્મશાન ભૂમિ નવીનીકરણનું કામ હાથ ધર્યું હતું અને સ્મશાનનું કામ ચાલુ કર્યું હતું. જેમાં ગામમાં થી દાતાઓ તથા ગામલોકોના સહયોગથી ખુબ જ સારુ સ્મશાન ભઠ્ઠી, નાવાણીયા, સંડાશ બાથરૂમ અને બાળવાટિકા બગીચો, જેવી સુવિધાઓથી સજ્જ ગામનું સર્વજ્ઞાતિ સ્મશાન એટલે કે હિન્દુ સ્મશાન ભૂમિ તૈયાર થઈ જતાં ત્યાં શુક્રવારે રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કલાકાર ઈશ્વરભાઈ ચૌધરી, ગૌતમભાઈ બારોટ, બાળકલાકાર પ્રિયંકા યોગીરાજ શિવ ભજનની ધૂન બોલાવી ગામલોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ સમયે દાતાઓની દાનની સરવાણી વર્ષિ પડી હતી. આ કાર્યક્રમમાં મડાણા ગઢ તાલુકા પંચાયત સદસ્ય મયુરભાઈ ડેરિયા, ઉપ સરપંચ પતિ ઈશ્વરસિંહ સોલંકી, ભુરાભભાઈ ઠક્કર, રતિલાલ લોહ,રામસિંહ સોલંકી, કૌશિકભાઈ જોષી તથા ગામના દરેક સમાજના સ્થાનિક આગેવાનો ગામલોકો હાજર રહ્યા હતાં અને સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ગામના શિક્ષક ભીખાભાઈ વહોરા તથા પરેશભાઈ ચાંબડીયાએ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે,ગામમાં જે કોઈ મરણ પામે તો તેમના મરણક્રિયા માટેની કીટ જેમાં ગંગાજલ, ગાયનું છાણ, ચંદન લાકડું, નડાસડી, સુતર, કફનની કીટ પણ ગામના સ્મશાનમાંથી જ મળે તેવી વ્યસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : પાલનપુર: સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્પોકન ઇંગ્લિશ અને ટેલિ એકાઉન્ટિંગના શરૂ કરાયા વર્ગો