પેટ્રોલની કિંમતમાં વધારાને કારણે ઈલેક્ટ્રિક ટુ વ્હીલરના વેચાણમાં વધારો થયો છે. પરંતુ ઈ-સ્કૂટરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બાદ ખરીદદારોનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. તેવામાં આજે પાટણમાં ચાર્જ થઈ રહેલા એક ઈલેક્ટ્રિક ટુ વ્હિલરમાં આગ લાગવાની ધટના સામે આવા છે. જ્યારે છેલ્લા એક મહિનામાં દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. તેમાં Ola, Okinawa અને Pure EV જેવી કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો સમાવેશ થાય છે. આ ઘટનાઓએ ઈલેક્ટ્રિક સ્કૂટરની સુરક્ષા પર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો લિથિયમ-આયન બેટરી પર ચાલે છે. તેઓ ઘણું જોખમ પણ વહન કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી ખૂબ જ જટિલ હોય છે અને તેની ખામીઓને દૂર કરવી સરળ નથી. ત્યારે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, સેલ કેમિસ્ટ્રી અને ચાર્જિંગમાં ખામીને કારણે આગ લાગી શકે છે.
પાટણની કલીકા રોડ વિસ્તારમાં આવેલ સુવિધિનાથ સોસાયટીમાં એક વ્યક્તિએ સવારના સમયે ઈલેકટ્રિક ટુ વ્હિલર ચાર્જમાં મુકેલ હતુ. ત્યારે ચાર્જિગને બે કલાક કરતા વધુ સમય પસાર થઈ ગયો હતો અને ઈલેકટ્રિક સ્કૂટર્સમાં ધીરે ધીરે ધુમાડા નીકળવા લાગ્યા અને અચાનક જ તેમાં બ્લાસ્ટ થયો હતો. તો ગણતરીની મિનિટોમાં આગ એટલી ભડકે બળી કે જોતજોતામાં જ ઈલેક્ટ્રિક ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયું હતો. આગ શેના કારણે લાગી તે હજુ સામે આવ્યું નથી પરંતુ તે અંગે એવુ કહી શકાય કે, ગરમી કે વધુ સમય સ્કૂટર્સને ચાર્જમાં રાખવાથી આ ઘટના બની શકી હોય.
ઈલેકટ્રિક વાહનમાં વપરાતી લિથિયમ-આયન બેટરી શું છે?
લિથિયમ-આયન બેટરી એ સૌથી લોકપ્રિય બેટરી છે. જે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા લાખો ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર આપે છે. લિથિયમ-આયન બેટરીમાં એનોડ, કેથોડ, સેપરેટર, ઇલેક્ટ્રોલાઇટ અને બે કરંટ કલેક્ટર્સનો સમાવેશ થાય છે. એનોડ અને કેથોડમાં લિથિયમ સંગ્રહિત થાય છે. જ્યારે ઇલેક્ટ્રોલાઇટમાં સેપરેટર દ્વારા એનોડથી કેથોડમાં ચાર્જ થયેલ આયનોને એનોડથી કેથોડ અને કેથોડથી એનોડ સુધી લઈ જવામાં આવે છે.
લિથિયમ-આયન બેટરી શા માટે ખાસ છે?
આ બેટરીઓ ખૂબ જ હળવી હોય છે, આ તેમની સૌથી મોટી ખાસિયત છે. બીજી તરફ, આ બેટરીઓમાં વધુ ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે. લિથિયમ-આયન બેટરી સામાન્ય રીતે 150 વોટ-કલાક પ્રતિ કિલોગ્રામ ઊર્જાનો સંગ્રહ કરી શકે છે, જ્યારે એસિડ લીડ બેટરી પ્રતિ કિલોગ્રામ ઊર્જા માત્ર 25 વોટ-કલાકનો સંગ્રહ કરી શકે છે. આવી સ્થિતિમાં, આ બેટરીનો ઉપયોગ પ્રોડક્ટને પણ હળવી બનાવે છે અને બેટરી લાંબા સમય સુધી ચાલે છે. એટલે કે તે ઇલેક્ટ્રિક સ્કૂટર હોય, લેપટોપ હોય કે તમારો મોબાઇલ તે લાંબા સમય સુધી ચાલશે.
આ બેટરીઓમાં શા માટે આગ લાગી છે?
આ બેટરીઓમાં આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ અત્યારે કોઈ કંપની કહી શકી નથી. જો કે, Okinawa EV કહે છે કે, તેનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. જે વાહનના બેદરકાર ચાર્જિંગનું પરિણામ હોઈ શકે છે. આ સિવાય નિષ્ણાતોનું માનવું છે કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ, બહારથી કોઈ નુકસાન, બેટરી ઈન્સ્ટોલેશનમાં ખામી વગેરેને કારણે આગ લાગવાનું જોખમ રહેલું છે.
આ પ્રકારની ઘટનાઓને જોતા ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરતા લોકોએ સાવચેત રહેવું જરુરી બની જાય છે.