માણસા નગરપાલિકાના 56 કરોડના વિકાસકીય કામોનું અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત
- અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી માણસાના નાગરિક તરીકે રાજ્ય સરકારનો આભાર માન્યો
- CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસની વાત કરી
- ધારાસભ્ય જે. સી.પટેલે અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલનો આભાર આભાર માન્યો
અમિતભાઇ શાહ પોતાના વતન માણસાનું હંમેશા ધ્યાન રાખતા હોય છે ત્યારે આજે માણસા નગરપાલિકાના વિકાસકીય કામોનું અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માણસા નગરપાલિકાને વિકાસકીય કાર્યો માટે 56 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, PM મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે. આ પ્રસંગે CM ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી.
અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પોતાના વતન માણસા નગરપાલિકાના વિકાસકીય કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે માણસા વિસ્તારમાં નવી રેલવે લાઇન નાખવાથી લઇને 32 તળાવોનું નિર્માણ, 12 જેટલાં તળાવોના આંતરજોડાણ, ચંદ્રાસણ તળાવનું બ્યુટીફિકેશન, શહીદ સ્મારકનું નિર્માણ, અંબોડ સ્થિત કાલીમાતા મંદિર જિર્ણોધ્ધાર, માણસા-ગાંધીનગર, મહુડી-પુંદ્વા તેમજ કલોલ-માણસા ચારમાર્ગીય ઘોરીમાર્ગના નિર્માણ દ્વારા માણસા વિસ્તારના વિકાસ કાર્યોથી લોકોના જીવન ઘોરણમાં બદલાવ આવ્યો છે.
આ પણ વાંચો : અમૃતપાલ સિંહને ડામવાની શરૂઆત અમિત શાહ અને ભગવત માનની બેઠકથી જ થઈ હતી, જાણો શું હતી યોજના
વધુમાં માણસા પંથકમાં કેન્દ્ર અને રાજય સરકારે અત્યાર સુઘીમાં કુલ રૂ. 1182 કરોડના વિકાસ કાર્યો સાકાર કર્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં અમિત શાહે માણસાના વિકાસ કાર્યોની અવિરત શૃંખલાથી માણસાના નાગરિક તરીકે રાજય સરકારનો આભાર માન્યો હતો.
CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
આ પ્રસંગે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ મોડલ પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ સાંસદ અને ઘારાસભ્યોને જાગૃત લોકપ્રતિનિઘિ બનવાની હાકલ કરી છે, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવા જ આદર્શ નેતા અને જાગૃત લોકપ્રતિનિઘિ છે. તેઓ પોતાના મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણીને હંમેશા પ્રાઘાન્ય આપે છે તેમજ નાગરિકોની સુખાકારીને અગ્રિમતા આપે છે. જેના કારણે આજે ગાંધીનગર અને અમદાવાદના સંસદીય મતવિસ્તારને વિકાસનો અવિરત લાભ મળી રહ્યો છે.
આ પણ વાંચો : ભુપેન્દ્ર પટેલ સરકારના બજેટનું કદ અને ધારાસભ્યોની ગ્રાન્ટ વધશે : નવા MLA આવાસની યોજના
વધુમાં તેમને જણાવ્યું હતું કે અમિતભાઇ તેમની વતનભૂમિ માણસા નગરના વિકાસ માટે હંમેશાં કટિબઘ્ઘ રહ્યા છે. તેઓ જ્યારે વતનમાં આવે છે, ત્યારે કરોડોના વિકાસ કામોની ભેટ નાગરિકોને આપે છે. તેની ફલશ્રૃતિ રૂપે આજે માણસામાં એક જ દિવસમાં 56 કરોડના વિકાસ કામોની ભેટ મળી રહી છે.
ગુજરાતના વિકાસ વિશે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ આગળ જણાવે છે કે ગુજરાતમાં આજદિન સુઘી નાણાંના અભાવે એકપણ વિકાસ કામ અટક્યું નથી. આજે માણસામાં રૂપિયા 17 કરોડથી વઘુના ખર્ચે 1૩ તળાવોનું ઇન્ટરલિંક અને રિચાર્જ બોરવેલ પ્રોજેકેટ અને રૂપિયા 26 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 8 કરોડથી વઘુના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી માણસા નગરની ગંદા પાણીના નિકાલની સમસ્યાનો અંત આવશે તેની ભૂમિકા તેમણે આપી હતી.
આ પણ વાંચો : દરિયાઇ સીમા સુરક્ષાને લઇ નિરીક્ષણ : ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બેટ દ્વારકા પહોંચ્યા
ધારાસભ્ય જે. સી.પટેલે આભાર વ્યક્ત કર્યો
આ પ્રસંગે માણસના ધારાસભ્ય જે. સી.પટેલે સૌનું સ્વાગત કરી માણસામાં થયેલા વિવિધ વિકાસ કામોની ઝાંખી કરાવી હતી તેમજ માણસના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો
આ મહાનુભાવો હાજર રહ્યા
આ પ્રસંગે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ક્લોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, સાબરમતી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને ભા.જ.પ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, માણસા તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવિણા.ડી. કે., જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.કે.પટેલ, માણસા નગરપાલિકા ચીફ ઓફિસર સતિષભાઈ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને માણસાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.