ટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરમાં ભારતીય સેનાએ પાર્ટનરના મોતનો બદલો લીધો, પુલવામા એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

Text To Speech

નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઈકાલે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સવારે કાશ્મીર ઝોનની પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. માર્યા ગયેલા તમામ આતંકીઓ લશ્કર સાથે સંકળાયેલા હતા. તેમાંથી એકની ઓળખ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મોડી સાંજે એક આતંકવાદી માર્યો ગયો હતો.

J&K પોલીસે આજે વહેલી સવારે તેના ટ્વિટમાં કહ્યું, ‘આજે વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. ત્રણના મોત થયા છે. હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.’

આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, ‘માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક છે, જેઓ આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા છે. તેમાંથી એકની ઓળખ જુનૈદ શિરગોજરી તરીકે થઈ છે. તેણે 13 મેના રોજ અમારા સહયોગી શહીદ રિયાઝ અહેમદની હત્યા કરી હતી.’

આ પહેલાં એટલે કે ગઈકાલે કુલગામના ખાંડીપુરા વિસ્તારમાં એક આતંકવાદી છુપાયો હોવાની મજબૂત માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ દરમિયાન છુપાયેલા આતંકીએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં આતંકી માર્યો ગયો. પ્રવક્તાએ કહ્યું કે, સુરક્ષા દળોએ પહેલા એન્કાઉન્ટર સ્થળની આસપાસના લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા હતા.

તેમણે કહ્યું કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ રસિક અહેમદ ગની તરીકે થઈ છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય છે અને કુલગામનો રહેવાસી છે. તેનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે, પોલીસ રેકોર્ડ્સ મુજબ માર્યો ગયો આતંકવાદી પોલીસ અને અન્ય સુરક્ષા દળો પર હુમલા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો.

એન્કાઉન્ટર સ્થળ પરથી એકે 303 રાઈફલ, 23 કારતૂસ, એક પિસ્તોલ અને 31 કારતૂસ અને એક હેન્ડ ગ્રેનેડ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.પ્રવક્તાએ કહ્યું કે, તમામ રિકવર કરેલી વસ્તુઓને વધુ તપાસ માટે મોકલવામાં આવી છે.

Back to top button