આણંદઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહના આણંદ જિલ્લામાં આગમન પૂર્વે બોરસદમાં કોમી તોફાન ભડકયું છે. બોરસદની શાંતિમાં પલિતો ચાંપનાર અસામાજિક તત્વોએ હિન્દૂ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા સફળ થયા છે. છેલ્લા બે દિવસથી ચાલતી અજંપાભરી શાંતિ અંતે મોડી રાત્રિના સમયે પથ્થરબાજી અને છરીબાજીમાં પરિણમી છે. ચાર નાગરિક અને એક પોલીસ જવાન સહિત કુલ પાંચ વ્યક્તિ પણ આ કોમી તોફાનમાં ઘાયલ થયા છે. પોલીસ દ્વારા કોમી તોફાનને અંકુશમાં લેવા ટીયરગેસના સેલ અને રબરની ગોળીઓ છોડી કાબુ મેળવવામાં આવ્યો છે. હાલ એસ.આર.પીની ટુકડીઓ સહિત પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.
આજે આણંદ ખાતે ઈરમાં ઇન્ટિટ્યુટના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે. કોરોનાના બે વર્ષ બાદ પ્રથમ પદવીદાન સમારોહ હોવાથી સઘળી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જો કે આ સમારોહની પૂર્વ રાત્રિએ જ બોરસદમાં કોમી તોફાનો ભડક્યા છે. બોરસદ શહેરમાં રાત્રિ દરમિયાન શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. રાત્રિના 1 વાગ્યાના અરસામાં શરૂ થયેલો પથ્થરમારો 2 કલાક જેટલો ચાલ્યો હતો. જ્યાં હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હુમલો થયો હતો. વળી એક પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ આ વિવાદ વધુ વકર્યો હતો. અન્ય ત્રણ નાગરિકો પણ આ તોફાનોમાં ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મી હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે, રાત્રિ દરમિયાન થયેલો પથ્થરમારો પૂર્વ આયોજિત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બોરસદમાં હજુ પણ ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. પોલીસ દ્વારા આ તોફાનને અંકુશમાં લેવા 50 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. તેમજ 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આ તોફાનો કાબુમાં આવ્યા છે. તોફાની તત્વો દ્વારા શહેરના દેરાસર પાસે લગાવેલા CCTV ને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. જો કે પોલીસ દ્વારા આ અંગે ચોક્સાઇપૂર્વકની તપાસ આરંભી દેવામાં આવી છે. જેમાં 14 જેટલા તોફાની ટોળાને પોલીસે કરી અટકાયત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, હાલ જિલ્લા પોલીસ વડા અજિત રાજયાન સહિતની પોલીસ ટીમ બોરસદમાં ધામા નાખ્યા છે. એસ.આર.પી ની બે કંપની અને સ્થાનિક પોલીસના જવાનો બોરસદના વિવિધ સ્થળે બંદોબસ્તમાં ગોઠવાયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પરિસ્થિતિ કાબુમાં છે જોકે બન્ને કોમના સામાન્ય નાગરિકોમાં હજુ પણ ભય પ્રવર્તી રહ્યો છે.