ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં ગૌશાળા નું દબાણ ત્રણ દિવસમાં સ્વેચ્છાએ હટાવશે

Text To Speech
  • દબાણ તોડવા ગયેલી પાલિકાની ટીમને ગૌ સેવકોની ખાતરી

પાલનપુર : ડીસા શહેરમાં હરિ ઓમ સ્કૂલ પાછળ આવેલ હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં આવેલી વિવાદાસ્પદ ગૌશાળાનું દબાણ પાલિકાની ટીમ દ્વારા હટાવવા જતા ગૌસેવકોએ ત્રણ દિવસમાં સ્વેચ્છાએ ગૌશાળા ખાલી કરવાની ખાતરી આપી હતી. જેથી પાલિકા દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી હતી..

ડીસા શહેરમાં હરિઓમ સ્કૂલ પાછળ હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં સ્વ. નરસિંહદાસજી મહારાજે શરૂ કરેલી ગૌશાળા દબાણમાં હોવાથી પાલિકા દ્વારા ખાલી કરવા નોટીસ આપાઈ હતી. ત્યારબાદ આ જગ્યામાં આશ્રય લઈ રહેલા ગૌમાતાઓ તેમજ રખડતા ઢોરોનો કબજો પાલિકા સંભાળી લે તે મુજબની માગણી સાથે ગૌસેવકોએ આવેદનપત્ર આપ્યું હતું.જોકે ગૌશાળા નું દબાણ ખાલી ન કરતા ડીસા નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ દ્વારા આજે દબાણ હટાવવા પહોંચી હતી.જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીસા શહેર દક્ષિણ પીઆઇ એસ.એ. ગોહિલ સહિત મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જ્યારે પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ, દબાણ અધિકારી મનોજભાઈ પટેલ, પાલિકાના ઇજનેર સુરેશ જાદવ સહિત કર્મચારીઓ લોડર સહિતની મશીનરી સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા. જ્યાં દબાણની કામગીરી શરૂ કરી તોડફોડ શરૂ કરે તે પહેલા જ ગૌ સેવકોએ પતરા ના શેડ વ્યવસ્થિત રીતે અન્ય જગ્યાએ કામે લાગે તે માટે સ્વેચ્છાએ ગૌશાળા નું દબાણ ત્રણ દિવસમાં દૂર કરવાની ખાતરી આપતા પાલિકાની ટીમ પરત ફરી હતી.

મંદિરો સિવાયના દબાણ હટાવાશે

આ જગ્યા પર હઠીલા હનુમાનજીનું વિશાળ મંદિર તેમજ બાજુમાં મહાદેવજીનું મંદિર, શનિદેવ મહારાજનું સ્થાનક, પારસ પીપળો, ગાયો માટે વિશાળ શેડ, પક્ષીચણ માટે સુરક્ષિત ચબૂતરાઓ, પશુઓને પાણી પીવાના આવાડાઓ, પક્ષીઓને રહેવા માટે માળાઓ ઉપરાંત સ્વ નરસિંહદાસ મહારાજનું સ્થાનક, ગાદી વાળી જગ્યા,રહેવા માટેના રૂમો, પૂજારી અને ગોપાલક ને રહેવાના રૂમો વગેરે આવેલા છે. જેમાંથી મંદિરો સિવાયના તમામ દબાણો દૂર કરી જગ્યા ખાલી કરાવાશે એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :  પાલનપુર : ડીસાની નવજીવન બી.એડ્. કોલેજમાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો

Back to top button