નારી તું ન હારી : પાલનપુરના ગૃહિણીએ જાતે કાર ચલાવી છ વર્ષથી પથારીવશ પતિને ભારત ભ્રમણ કરાવ્યું
પાલનપુર: લગ્ન પછી કદી સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે, હું પથારીવશ થઈ જઇશ, જોકે, કુદરત મારી પરીક્ષા કરી રહ્યો છે. અને એમાં મારી પત્ની ખરા અર્થમાં અર્ધાંગિની બની, જાણે કે મારો પડછાયો હોય તેમ છેલ્લા છ વર્ષથી સેવા કરી રહી છે. મારી તમામ દિનચર્યા કરી રહી છે. કોઈ વાતે ઓછું આવવા દેતી નથી. અત્યાર સુધીમાં તે જાતે કાર ચલાવી ભારતનું એવું એક પણ શહેર નહીં હોય કે જ્યાં મને નહીં લઇ ગઇ હોય. આ વાક્યો ઉચ્ચારતી વખતે પાલનપુરના જયકુમાર જોશીની આંખોમાં તેમની પત્ની પ્રત્યેનું અપાર વ્હાલ ઉભરાઈ આવ્યું હતું.
આ બાબતનું ધ્યાન ઓસ્કાર એવોર્ડ વિજેતા દિવ્યાંગ કમલેશ પટેલ અને બ્રહ્મસમાજના આગેવાનોના ધ્યાને આવતા દંપતિનું સન્માન કરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
અકસ્માતમાં એન્જિનિયર પતિનું કમરથી નીચેનું શરીર લકવાગ્રસ્ત,પત્ની પડછાયો બની
પાલનપુરમાં આબુ હાઇવે નજીક બાલાજી સિટીમાં રહેતા એન્જીનિયર જયકુમાર નારણભાઈ જોશી વર્ષ 2017માં બાઈક લઇ નોકરીથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે કુષ્કલ ગામના પાટીયા પાસે અચાનક બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેમને કમરમાં ગંભીર ઇજા થતાં અડધું શરીર લકવાગ્રસ્ત બની ગયું હતું. જોકે તેમના પત્ની અરુણાબેન કુદરતના આ નિર્ણય સામે હાર ન માની પતિ નો પડછાયો બની તેમની છેલ્લા છ વર્ષથી સેવા કરી રહ્યા છે.
હલન ચલન ન કરી શકતો યુવક સવાર થી સાંજ સુધી બાળકોને આપે છે ટ્યુશન
આ અંગે જયકુમાર જોશી એ જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી મેં દાંતીવાડા કોલોનીમાં અરુણા સાથે લગ્ન કર્યા હતા. અમારો ઘર સંસાર છ વર્ષ સુધી સુખરૂપ ચાલ્યો હતો જોકે, કુદરતને તે મંજૂર ના હોય તેમ અકસ્માતમાં મારું અડધું શરીર કામ કરતું બંધ થઈ ગયું છે. અરુણા સાચા અર્થમાં મારી અર્ધાંગની બનીને મારા પડછાયા ની જેમ દિવસ રાત સેવા કરી રહી છે.
ગરીબો અને દીકરીઓની ટ્યુશન ફી લેતા નથી
સવારથી રાત્રે સુધી તમામ દિનચર્યા એ જ કરે છે. હું એટલો ભાગ્યશાળી છું કે, અરુણા જાતે જ અમારી કાર ચલાવી મને ભારતના મુંબઈ, સુરત, નવસારી, અમદાવાદ સહિત સમગ્ર દેશનું ભ્રમણ કરાવ્યું છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા વ્હીલચેર ઉપર મને લઈ જાય છે. આ બાબતની જાણ ઓસ્કાર એવોર્ડ વિનર ડાન્સર કમલેશ પટેલ ના ધ્યાને આવતા જયેશભાઇના ઘરે આવ્યા હતા.અને જશેયભાઇ અને તેમની પત્નિનું સાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો :પંચાયત મનરેગા હેઠળ કામ આપવામાં નિષ્ફળ જતાં ગ્રામજનોએ DDOને નોટિસ પાઠવી