અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોને ટાંકીને કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું તે દિવસે ભાજપના ધારાસભ્ય મનીષા વકીલે વિરોધ પક્ષ પર ઉદ્યોગપતિ અદાણીને રાજ્યની અંદર અને બહાર મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. સોમવારે બજેટની માંગણીઓ પર બોલતા વકીલે અચાનક જ ગુજરાતીમાંથી હિન્દીમાં સ્વિચ કરી લીધું હતું અને રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, જ્યારે તેમની માતા યુપીએનું નેતૃત્વ કરી રહ્યા હતા, ત્યારે તેમની સરકારે અદાણીને રૂ. 72,000 કરોડની લોન આપી ન હતી ?
આ પણ વાંચો : રાહુલ ગાંધીના વિવાદ પર અમેરિકા પણ રાખી રહ્યું છે નજર, કહ્યું- ‘કાયદાનું સન્માન કરો…’
વડોદરા શહેરના ધારાસભ્યે તેમના પાંચ પ્રશ્નોની યાદી ચાલુ રાખી, શું રાજસ્થાનના મુખ્યમંત્રીએ અદાણીને રૂ. 60,000 કરોડનું ઔદ્યોગિક પેકેજ આપ્યું હતું ? શું અદાણીને છત્તીસગઢમાં કોલસાના પ્રોજેક્ટ પર કામ કરવાના વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા હતા ? 1990 માં, જ્યારે ચીમનભાઈ પટેલ ગુજરાતમાં હતા, ત્યારે શું અદાણીને બંદર બનાવવા માટે જમીન આપવામાં આવી હતી ? 1985માં, વડાપ્રધાન રાજીવ ગાંધીના નેતૃત્વમાં, સરકારે અદાણી માટે બિઝનેસ હાઉસ બનાવવામાં મદદ કરી હતી ? આ પાંચ પ્રશ્નો માત્ર મારા માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે. જેઓ બહાર ગયા તેઓ આનો જવાબ આપી શકશે ? આ સવાલો પૂછી વકીલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. વકીલ એકમાત્ર ભાજપના ધારાસભ્ય હતા જેમણે અદાણી મુદ્દે વાત કરી હતી. તેઓ પાંચ શાસક ધારાસભ્યોમાંની એક હતા જેમણે ઉર્જા અને નાણા વિભાગોની અંદાજપત્રીય માંગણીઓ વિશે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી લઈને તમામ કોંગ્રેસ નેતાઓ અને અન્ય વિપક્ષી પક્ષો હાલ અદાણી મુદ્દે દેશ સહિત ગુજરાતમાં પણ વિરોધ કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય મનીષા વકિલના આ પાંચ સવાલોનો જવાબ ગુજરાત કોંગ્રેસ આપે છે કે કેમ તે જોવું રહ્યું.