આજે આકાશમાં જોવા મળશે એકસાથે આ 5 ગ્રહોનો અદ્ભૂત નજારો !
મંગળવારે રાત્રે આકાશમાં એકસાથે 5 ગ્રહો દેખાશે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને યુરેનસ સાંજે 7.30 વાગ્યાથી ચંદ્રની નજીક દેખાશે. નાસાના ખગોળશાસ્ત્રી બિલ કૂકે જણાવ્યું કે, આ ગ્રહોને જોવા માટે સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં ક્ષિતિજ તરફ જુઓ. ક્ષિતિજ એ એવી જગ્યા છે જ્યાં જોઈને એવું લાગે છે કે પૃથ્વી અને આકાશ એકબીજાને મળી રહ્યા છે.
આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ આબોહવાને અનુરૂપ ઘઉંની નવી જાતને વિકસાવી
બુધ-ગુરુ સૂર્યાસ્ત પછી અડધા કલાક સુધી જ દેખાશે
કૂક જણાવે છે કે આ પાંચ ગ્રહો વિશ્વમાં ગમે ત્યાંથી જોઈ શકાય છે. માત્ર આકાશ સ્વચ્છ હોવું જોઈએ અને પશ્ચિમનો નજારો દેખાતો હોવો જોઈએ. તેઓ કહે છે કે, ગુરુ, શુક્ર અને મંગળને જોવાનું સરળ બનશે. શુક્ર ખૂબ જ ચમકદાર છે. જ્યારે મંગળ ચંદ્રની નજીક જોવા મળશે અને તેમાં લાલ ચમક જોવા મળશે. જો કે, બુધ અને ગુરુ સૂર્યાસ્તના અડધા કલાક પછી દેખાતા બંધ થઈ શકે છે.
બુધ અને યુરેનસ દૂરબીન દ્વારા દેખાશે
બુધ અને યુરેનસની ચમક હળવી હોવાથી તેને જોવું મુશ્કેલ બની શકે છે. તેમને જોવા માટે બાયનોક્યુલરની પણ જરૂર પડી શકે છે. સામન્યત: યુરેનસ ઓછો જ જોવા મળે છે. તેની પોઝીશન શુક્રની ઉપર છે અને તેમાં લીલો રંગની ચમક જોવા મળે છે.
ગ્રહો સીધી રેખામાં રહેશે નહીં
સૂર્યાસ્ત પછી, આ પાંચ ગ્રહો એક દુર્લભ એલાઈમેન્ટમાં જોવા મળશે. તેમ છતાં તેઓ સીધી રેખામાં દેખાશે નહીં. સૂર્યાસ્ત પછી લગભગ 7.30 વાગ્યે ક્ષિતિજ પર પ્રથમ ગુરુ ગ્રહ જોવા મળશે. આ પછી બુધ, શુક્ર, યુરેનસ અને મંગળ જોવા મળશે. આ ગ્રહો ક્ષિતિજથી લઈને અડધા આકાશમાં જોવા મળશે. આ ગ્રહો આકાશમાં એકસાથે દેખાશે તેનો અર્થ એ નથી કે તેઓ એકબીજાની નજીક સ્થિત છે. તેઓ એકબીજાથી ઘણા દૂર છે. હકીકતમાં, તેમની ભ્રમણકક્ષા સૂર્યની એક જ બાજુએ છે, તેથી તેઓ એકસાથે દેખાય છે.