પાકિસ્તાનમાં લઘુમતી અહમદી સમુદાયના 70 વર્ષ જુના પૂજા સ્થળમાં તોડફોડ
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ આ વખતે પોલીસે લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યું છે. લઘુમતી સમુદાયના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે, કથિત રીતે કટ્ટર મૌલવીઓના દબાણ હેઠળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસે લઘુમતી અહમદી સમુદાયના 70 વર્ષ જૂના પૂજા સ્થળના મિનારા તોડી પાડ્યા હતા.
શું ઘટના બની હતી ?
પંજાબ પ્રાંતની રાજધાની લાહોરથી લગભગ 150 કિમી દૂર ગુજરાત જિલ્લાના કાલરા કલાનમાં રવિવારે આ ઘટના બની હતી. જમાત-એ-અહમદીયા પાકિસ્તાનના અધિકારી આમિર મેહમૂદે કહ્યું કે પંજાબ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી)ના એક અધિકારી આ અહમદીઓના પૂજા સ્થળ પર આવ્યા અને કહ્યું કે વિભાગ તરફથી મિનારાઓને તોડી પાડવાના કડક આદેશ છે કારણ કે તે મસ્જિદનું રૂપ આપે છે અને કાયદા દ્વારા અહમદીઓ તેમના પૂજા સ્થાનો પર મિનારાઓ બનાવી શકતા નથી. રવિવારે પોલીસની એક ટીમ ત્યાં પહોંચી અને ટાવર તોડી નાખ્યા હતા.
પોલીસે કહ્યું પૂજા સ્થળ ઉપર અહમદીઓનો હક નથી
મહમૂદે વધુમાં જણાવ્યું હતું કે અહમદી ધર્મસ્થાનને સ્થાનિક મૌલવીઓના દબાણ હેઠળ નુકસાન થયું છે, જેઓ આ સ્થળને પોતાનું હોવાનો દાવો પણ કરે છે. તેમણે કહ્યું કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અહમદીઓની આ પૂજા સ્થળ મુસ્લિમોનું છે અને તેના પર તમારો (અહમદીઓનો) કોઈ અધિકાર નથી. અલ્પસંખ્યક સમુદાયો ખાસ કરીને અહમદીઓ પાકિસ્તાનમાં ખૂબ જ સંવેદનશીલ છે અને તેઓ વારંવાર ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે.
અહમદીઓ માટે પોતાને મુસ્લિમ કહેવા સજાપાત્ર ગુનો
ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકે અહમદીઓ માટે પોતાને મુસ્લિમ કહેવા અથવા તેમના ધર્મને ઇસ્લામ તરીકે ઓળખવાને સજાપાત્ર ગુનો બનાવ્યો હતો. 1974 માં, પાકિસ્તાનની સંસદે અહમદી સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કર્યો હતો. એક દાયકા પછી, તેમને પોતાને મુસ્લિમ કહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમના પર પ્રચાર કરવા અને હજયાત્રા માટે સાઉદી અરેબિયા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.