મીઠો વિકાસ : જે ખેડૂત કેનમાં દૂધ ભરાવતા હતા, આજે એ મધ ભરાવતા થયા
- બનાસ ડેરીના ખેડૂતોએ શ્વેતક્રાંતિ બાદ સર્જી સ્વીટક્રાંતિ
પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2016માં બનાસકાંઠાની ધરતી પર પધારીને મહેનતુ ખેડૂતોને શ્વેતક્રાંતિની સાથે મધ ઉત્પાદનના માધ્યમથી ‘સ્વીટ ક્રાંતિ’ના વાહક બનવા આહ્વાન કર્યું હતું. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ આહ્વાનને પડકારના રૂપમાં સ્વીકારીને ખેડૂતોની આવક બમણી કરવાના ઉદેશ્ય સાથે બનાસ મધ પ્રોજેક્ટ શરૂ કર્યો તેમજ ખેડૂતોને મધની ખેતી કરવા તાલીમ આપી અને મધની ખેતી કરવા માટે આર્થિક સહાય અને જરૂરી મદદ પણ કરી હતી. કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે! આજે બનાસ ડેરીના ખેડૂતો ખેતરમાંથી પાક મેળવી, પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરી અને બનાસ મધ પ્રોજેક્ટમાં જોડાઈ મધની ખેતી દ્વારા આત્મનિર્ભર બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બનાસ ડેરી સાથે જોડાઈને સ્વીટક્રાંતિમાં સફળતા પ્રાપ્ત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્વેતક્રાંતિ સાથે મધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના લક્ષ્ય સાથે બનાસ ડેરીએ અત્યારસુધીમાં ૫૮૭ ખેડૂત પરિવારોને મધ ઉત્પાદન માટે તાલીમ આપી છે અને ૬,૬૦૯ મધ પેટીઓની વહેચણી કરી છે. જેના કારણે જિલ્લાભરમાંથી સફળતાપૂર્વક કુલ ૮૫૮૦૭ કીલોગ્રામ મધનું સંપાદન કર્યું છે. મધના વાહક એવા જિલ્લાના ખેડૂતોના પરિશ્રમ, પ્રયાસ અને પુરુષાર્થના પરિણામ સ્વરૂપે વર્ષ ૨૦૧૬-૧૭ માં તેમને રૂ. ૨.૪૦ લાખ ચુકવાયા હતા, જે વર્ષે ૨૦૨૨-૨૩ માં કુલ રકમનો આંકડો વધીને રૂ. ૫૦૭.૬૭ લાખ પહોચી ગયો છે, જે સમૃદ્ધિની દિશાને દર્શાવે છે. સ્વીટક્રાંતિ થકી ખેડૂતો-પશુપાલકોના કલ્યાણનો સંકલ્પ સાકાર થયો છે.
ખેડૂતોની આવક બમણી કરવાના મોદીજીના સ્વપ્નને સાકાર ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસડેરી અંતર્ગત બનાસ મધ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં જિલ્લાના ખેડૂતોને મધની ખેતી કરવા માટે તાલીમ અને મધની પેટીઓ અપાય છે તેમજ બનાસ ડેરી ઉત્પન્ન થયેલ મધના ઉત્તમ ભાવી આપીને ખેડૂત પાસેથી મધની ખરીદી પણ કરે છે.
આમ દૂધ ઉત્પાદનની સાથે સાથે મધ પ્રોજેક્ટ થકી ગ્રામ્ય વિસ્તારના લોકોની આવકમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા મધના ચાલુ ભાવમાં રૂ.૨૦ નો વધારો કરી નવીન ખરીદ ભાવ રૂ.૧૭૦ પ્રતિ કિલો કરવામાં આવ્યો હતો. જે ખેડૂતો દ્વારા કરવામાં આવતા પરિશ્રમ, મહેનત અને પુરુષાર્થને બિરદાવવાનો ચેરમેન શંકરભાઈ ચૌધરીનો ઉમદો પ્રયાસ છે.
આ પણ વાંચો : પાલનપુર : સ્તન કેન્સર નિદાન કેમ્પમાં ડીસાની 225 મહિલાઓએ લાભ લીધો