IPL પહેલા અમદાવાદમાં મોટા ક્રિકેટ સટ્ટાનો થયો પર્દાફાશ, 1800 કરોડથી વધુના મળ્યા વ્યહવારો !
IPL શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો છે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો ક્રિકેટ સટ્ટો ઝડપી પાડવામાં આવ્યો છે. આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માધવપુરા, સુમેલ બિઝનેસ પાર્ક-6 ના બ્લોક-જેમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો. ઓફિસમાં દરોડા પાડી સટ્ટાના પૈસાની દેખરેખ રાખતા 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ દરમિયાન 1800 કરોડથી વધુના પૈસાના વ્યવહાર પણ મળી આવ્યા છે. આ ઓફિસના કનેક્શન ઈન્ટરનેશનલ હોવાનું પણ સામે આવ્યું છે. આ દરોડામાં જીતેન્દ્ર તેજાભાઈ હીરાગર (ઉ.વ.28) રહે.સાબરમતી, સતીષ પોખરાજભાઈ પરીહાર (ઉ.વ.30) રહે. નવા વાડજ, અંકિત દિનેશભાઈ ગેહલોત (ઉ.વ.23) રહે. મેઘાણીનગર, નીરવ કિરીટભાઈ પટેલ (ઉ.વ.25) રહે. નરોડાની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય 20 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મોરબીમાં ફરી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સરકારે લીધો મોટો નિર્ણય
મળતી માહિતી અનુસાર, ઓનલાઈન સટ્ટો રમાડવા માટે તેમજ બેંક એકાઉન્ટના મેનેજમેન્ટ માટે આ ઓફિસનો ઉપયોગ કરતા હતો. દરોડામાં પીસીબીની ટીમે 500થી વધારે એકાઉન્ટ, 100 જેટલા સીમકાર્ડ અને મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ પણ પકડી પાડ્યો છે. આ દરોડામાં નામચીન બુકીઓના ઓનલાઈન ID પણ મળી આવ્યા છે. પીસીબીની ટીમે રૂ.2.05 લાખના 3 મોબાઈલ, આરોપીઓ પાસેથી રોકડ રૂ.7970, રૂ.75000ના 3 લેપટોપ, 536 નંગ ચેકબુક, જુદી જુદી બેંકોના ડેબીટ કાર્ડ, વિવિધ બેંકોના 14 સ્વેપીંગ મશીન, 193 નંગ સીમકાર્ડ સહિત કુલ રૂપિયા રૂ.3,38,670નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.