પાલનપુર : બિનઅધિકૃત રીતે હવે જો રણમાં પ્રવેશ્યા તો ખેર નથી…!
- વાવ- સુઈગામ ના અનસર્વેયડ રણ વિસ્તારમાં પ્રવેશવા સામે પ્રતિબંધ
- ગેરકાયદેસર મીઠું પકવતી કંપની સામે કાર્યવાહી બાદ તંત્ર સફાળું જાગ્યું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સરહદી તાલુકાઓ એવા સૂઇગામ ગામ તાલુકાના બોરું પાસે ઘુડખર અભ્યારણમાં પડેલી હજારો એક્ટર જમીનમાં મશીનરી લગાવીને ગેરકાયદેસર રીતે મીઠું પકવવામાં આવી રહ્યું હતું. જેમાં બે દિવસ અગાઉ સૂઇગામ ગામના પ્રાંત અધિકારીએ પોલીસ, આરટીઓ, વન વિભાગ ની ટીમો બનાવીને આ વિસ્તારમાંથી મીઠું પકવતી કંપનીની મશીનરીઓ કબજે કરી હતી. અને રૂપિયા રૂ. 6 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 4000 હેક્ટર જમીનમાં બિનઅધિકૃત રીતે મીઠું પકવતી કંપની સામે કાર્યવાહી કરાતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઇને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે સુઈગામ તથા વાવ તાલુકાની સરકારી અનસર્વેયડ રણ વિસ્તારની જમીનમાં લોકોના અનઅધિકૃત પ્રવેશને અટકાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેમાં સુઈગામ તથા વાવ તાલુકાનો રણ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદથી ખૂબ જ નજીક અને વિશાળ પ્રમાણમાં અનસર્વેયડ રણ વિસ્તાર આવેલો છે.
આ જમીન રાષ્ટ્રીય સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. જેથી આવી જમીનમાં અનઅધિકૃત પ્રવેશ કરી દબાણ કરનારાઓ સામે દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભો થવાનો નકારી શકાય તેમ નથી. જ્યારે આવા દબાણદારો દ્વારા આ સ્થળનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપવાની શક્યતાઓ રહેલી છે.
જિલ્લા કલેકટરે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
આ પ્રકારની પરિસ્થિતિને નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરે અનસર્વેયડ રણ વિસ્તારમાં અનઅધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ અંગેનું તેમને જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેનો ભંગ કરનાર સામે ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 188 મુજબ ફરિયાદ નોંધવા માટે અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. આ જાહેરનામું તારીખ 20 માર્ચ ’23 થી 19 મે ’23 સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો : પિતાએ મોબાઇલ ન અપાવતા 10 વર્ષની બાળા ઘરેથી ભાગી, રાતે જ થયું કંઈક આવું..