રાહુલ ગાંધીની સદસ્યતા રદ: લીલી થોમસવાળો નિર્ણય જેને કારણે તુરંત છીનવાયું પદ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરાતા હવે તેઓ લોકસભાના સાંસદ નથી રહ્યા. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ રાહુલની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે. સરનેમ કેસને લઈને તેમનું સભ્યપદ રદ કરવામા આવ્યું છે.
રાહુલ ગાંઘીની સંસદની સદસ્યતા રદ
આજે લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી હતી. ગુરુવારે (23 માર્ચ), સુરતની કોર્ટે તેને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત જાહેર કર્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી અને સાથે 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.જોકે, કેસની સુનાવણી દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. ત્યારે આજે જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે. ત્યારે અમે તમને તેના વિશે જણાવીશું.
આ કાયદા હેઠળ છીનવાઈ સદસ્યતા
રાહુલ ગાંધીનું સભ્ય પદ બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ રદ કરવામાં આવ્યું છે. આ જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે.
જાણો જનપ્રતિનિધિત્વ કાયદા વિશે
1951માં પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એક્ટ અમલમાં આવ્યો હતો.આ કાયદાની કલમ 8માં જણાવ્યા મુજબ જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય અપરાધિક બાબતે દોષી જાહેર થાય છે તો તે દોષી જાહેર થયાના દિવસથી આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહી.
કલમ 8(1) એ એવા અપરાધોનો ઉલ્લેખ કરે છે કે જેના હેઠળ દોષિત ઠેરવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જે અંતર્ગત બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી નશી શકતા . પરંતુ એમાં માનહાનિનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
આ કાયદાની કલમ 8(3)માં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ કે ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુ સજા થાય છે, તો તેમની સદસ્યતા તરત જ રદ થઈ જાય છે અને તે આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી.
લિલી થોમસ કેસ પર ચૂકાદો
વર્ષ 2005માં કેરળના વકિલ લિલી થોમસ અને લોકપ્રહરી નામના એનજીઓના જનરલ સેક્રેટરી એસએન શુક્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.જેમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.આ માગ કરતા તેમણે એવી દલીલ કરી કે આ કલમ અપરાધી સાંસદો- ધારાસભ્યોની સદસ્યતાને બચાવે છે. અને આ નિયમ મુજબ જો કેસ ઉપલી કોર્ટમાં પડતર હોય, તો તેમને અયોગ્ય ઠેરવી શકાય નહીં. તેમજ આ અરજીમાં તેમણે બંધારણની કલમ 102(1) અને 191(1)નો પણ ઉલ્લેખ કર્યો છે.
કેન્દ્ર પાસે કલમ 8(4) લાગુ કરવાની સત્તા નથી
અત્રે ઉલ્લેખનીય છે કે 10 જુલાઈ 2010ના રોજ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એકે પટનાયક અને જસ્ટિસ એસજે મુખોપાધ્યાયની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે કહ્યું કે કેન્દ્ર પાસે કલમ 8(4) લાગુ કરવાની સત્તા નથી. અને જો કોઈ વર્તમાન સાંસદ અથવા ધારાસભ્યને દોષિત ઠેરવવામાં આવે છે તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(1), 8(2) અને 8(3) હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા ખડગે આપી આ પ્રતિક્રિયા , જાણો શુ કહ્યું