અમદાવાદ ખાતે આજે શહીદ દિવસના દિવસે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે વરસાદના કારણે આજનો આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ આવતીકાલે તા.24 માર્ચના રોજ યોજાનાર હતો પરંતુ ફરી એકવાર કોઈ અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે અને નવી જાહેરાત પ્રમાણે આ કાર્યક્રમ હવે આગામી તા.20 એપ્રિલના રોજ યોજવામાં આવશે.
કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?
આજે યોજાનાર વીરાંજલિ કાર્યક્રમ રિવરફ્રન્ટ ખાતે થનાર હતો પરંતુ વરસાદના કારણે તે રદ્દ થયો હતો અને કાલે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન ખાતે તેનું ફરી આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કાલે પણ તે રદ્દ કરવામાં આવ્યો છે અને હવે આગામી તા.20 એપ્રિલના રોજ વીરાંજલિ કાર્યક્રમ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે.
શા માટે શહીદ દિવસ ઉજવાઈ છે ?
ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી.