વર્લ્ડ

ખાલિસ્તાનીઓને ભારતિયોનો જડબાતોડ જવાબ, લંડનમાં ભારતીય હાઈ કમિશન ઓફિસે લહેરાવ્યો વધુ મોટો ત્રિરંગો

Text To Speech

લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં એક ખૂબ જ રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું. હાઈ કમિશનની ટીમે ખાલિસ્તાન તરફી દેખાવકારોને જડબાતોડ જવાબ આપ્યો. ખાલિસ્તાન સમર્થકો ફરીથી ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા.આ દરમિયાન અધિકારીઓ હાઈ કમિશન બિલ્ડિંગની છત પર ચડી ગયા અને માનવ સાંકળ બનાવીને પહેલા કરતા મોટો ત્રિરંગો ફરકાવ્યો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

ખાલિસ્તાનીઓએ ત્રિરંગાને નીચે લાવવાનો પ્રયાસ કર્યો

આ પહેલા રવિવારે ખાલિસ્તાન તરફી વિરોધીઓએ ભારતીય હાઈ કમિશન પર લહેરાવેલા ત્રિરંગાને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારત સરકારે આ ઘટના અંગે નવી દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું અને સ્પષ્ટ કહ્યું હતું કે આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં.

ભારતીય હાઈ કમિશનના અધિકારીઓએ વિશાળ ત્રિરંગો લહેરાવ્યો

બુધવારે જ્યારે ખાલિસ્તાન તરફી પ્રદર્શનકારીઓ ફરીથી વિરોધ કરવા ભારતીય હાઈ કમિશન પહોંચ્યા ત્યારે તેમને કડક સુરક્ષાનો સામનો કરવો પડ્યો હતો. કાર્યાલયની આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે આંદોલનકારીઓ રોડ ક્રોસ કરી શક્યા ન હતા. ખાલિસ્તાન સમર્થકો રસ્તાની એક બાજુએ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જ્યારે હાઈ કમિશનના અધિકારીઓની ટીમે છત પરથી વિશાળ ત્રિરંગો લહેરાવીને જવાબ આપ્યો.

‘વારિસ પંજાબ દે’

લંડનમાં ખાલિસ્તાન સમર્થકોના પ્રદર્શનને ફરાર ‘વારિસ પંજાબ દે’ ચીફ અમૃતપાલ સિંહ સાથે જોડવામાં આવી રહ્યો છે. અમૃતપાલ સિંહ ખાલિસ્તાનનો સમર્થક છે અને 18 માર્ચે પોલીસે ભારતમાં તેની ધરપકડ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. બીજા દિવસે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો જોવા મળ્યા હતા. ખાલિસ્તાન તરફી વિરોધીઓના જવાબમાં, ભારતીય સમુદાયના સભ્યો પણ મંગળવારે (21 માર્ચ) ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની બહાર એકઠા થયા હતા અને દેશભક્તિના ગીતો પર ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ, સુરક્ષા વધારી દેવાઈ

Back to top button