ગુજરાતટોપ ન્યૂઝ

આધાર – પાન લિંક” કરાવવાના ચસ્કા એ ધન કમાવાના સરકારના નુસ્ખા : કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો વિષય ખૂબ જ પેચીદો છે, ગંભીર છે, એ એટલાં માટે કે, મને પણ હમણાં જ ખબર પડી કે ૨૦૨૨ એપ્રિલથી જૂન સુધી ૫૦૦/- દંડ હતો. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાણતા હતા તે વાત સામાન્ય જનતા સુધી તો હજી પહોંચી જ નહોતી.

ગેસની બાટલો લેતી વખતે બધે જ પાન કાર્ડ – આધાર કાર્ડ આપવું પડે

“રસિયો રૂપાળો બિલ ભરતો નથી” ના ગીત ગવડાવો છો પણ પાન કાર્ડ – આધાર કાર્ડ લિંક કરવાની વાત છેવાડાના માનવી સુધી કેમ પહોંચાડી શકાતી નથી? આ લિંક યોજના જો ૨૦૧૭ થી હોય તો લોકો સુધી વાત પહોંચી કેમ નહિ? G-20 સમિટની મોટી જાહેરાતો અપાય તો ખૂણામાં નાની પાન કાર્ડની તારીખની જાહેરાત પણ આપી શકાય. આજે લોકોને જે તકલીફ પડી રહી છે તે “પાડાના વાંકે પખાલીને ડામ” સમાન છે. કહેવામાં આવે છે કે, આ સિસ્ટમ ફ્રોડ લોકોને પકડવા માટે છે પરંતુ તેની માટે થઈને સામાન્ય માણસો પણ હેરાન થઈ રહ્યા છે. જે પ્રમાણે નોટબંધીમાં કહેવામાં આવ્યું હતું કે કાળા નાણાં બહાર આવશે પરંતુ પરિણામમાં માત્ર જનતાને હેરાનગતિ જ મળી. વાહન ખરીદતી વખતે, બેંકમાં ખાતું ખોલાવતી, વિધવા પેન્શન માટે, ગેસની બાટલો લેતી વખતે બધે જ પાન કાર્ડ – આધાર કાર્ડ આપવું પડે છે. શું સરકાર જાતે આધાર – પાન લિંક કરવાનું કામ નથી કરી શકતી?

૧૩ હજાર કરોડ રૂપિયા સરકાર જનતા જોડેથી લઈ લેશે

આશરે ૧૩ કરોડ લોકોને આધાર – પાન લિંક કરવાના બાકી છે. જો ગણતરી કરીએ તો ૧૩ હજાર કરોડ રૂપિયા સરકાર જનતા જોડેથી લઈ લેશે. અને પાછું આધાર – પાન લિંક કરવું ધારીએ એટલું સહેલું પણ નથી… સૌથી પહેલા તો ગામડામાં રહેનાર ઘણાં એવા લોકો છે જેમને મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક નથી. જેમની પાસે મોબાઈલ છે એમના નંબર બદલાઈ ગયા છે કે બીજી તકલીફ છે. જો મોબાઈલમાં એસ.એમ.એસ. નહિ આવે તો પણ લિંક નહિ થાય. જો આધાર કાર્ડમાં નામ તમારું ખોટું છે તો પાછું તમારે આધાર ઓફિસે જઈને રીન્યુ કરવા જવાનું. તેમાં ઘણાં દિવસો પસાર થાય તેવી સ્થિતિ છે.

જો પાન કાર્ડમાં નામ, જન્મ તારીખ કે કઈ ખોટું છે તો તમારે એ સુધારાવા જવું પડશે

જો પાન કાર્ડમાં નામ, જન્મ તારીખ કે કઈ ખોટું છે તો તમારે એ સુધારાવા જવું પડશે. તેમાં પાછા ૧૦૦૦/- ભરાવશે. તે સિવાય સુધારો નહિ થાય. લિંક કરાવતી વખતે અસેસમેન્ટ યર સિલેક્ટ કરવાનું હોય છે જો ભૂલથી પણ તેમાં ૨૦૨૨-૨૩ નાખ્યું તો તમારા ૧૦૦૦/- ગયા… એટલે ૨૦૨૩-૨૪ પસંદ કરવાનું રહેશે. પેમેન્ટ કરવામાં ભણેલા ગણેલા લોકો પણ મૂંઝવણમાં મુકાઇ જાય છે. તેની અંદર નેટ બેન્કિંગમાં અમુક સિલેક્ટેડ બેંક જ આપેલી છે. બાકી તમારે ડેબિટ કાર્ડ અને યુ.પી.આઇ. મારફતે પે કરવું પડે. અને જો તેના મારફતે કરો તો એનો પણ પાછો વધારાનો સર્વિસ ચાર્જ તમારે આપવાનો હોય છે.

૮૦ વર્ષથી ઉપરના નાગરિકોને અને NRIને મુક્તિ આપવામાં આવી

૮૦ વર્ષથી ઉપરના નાગરિકોને અને NRIને મુક્તિ આપવામાં આવી છે તેમ કહ્યું છે પરંતુ અત્યારે જો તમે કોઈ સિનિયર સિટીઝનનું કે NRIનું પાન કાર્ડ નાખો અને આધાર કાર્ડ લિંક કરવા જાવ તો સાઈટ હાલ જ તમને લિંક કરવાનું કહેશે, ૧૦૦૦/- ભરવાનું કહેશે. મુક્તિ આપી છે, ડેટા છે તો તેમને લિંક કરવાનું શા માટે કહો છો?… આ તો અત્યારે ખબર પડી જેમને નથી ખબર પડી તેમના તો ૧૦૦૦/- લઈ લેવામાં આવ્યા છે, એન.આર.આઇ. કેટેગરીમાં પણ આ જ વસ્તુ થઈ રહી છે. જો મુક્તિ આપી છે તો બતાવો છો શું કામ? પ્રોપર ડેટાબેઝનો અને મેનેજમેન્ટનો અહીં અભાવ છે.

૧૦,૦૦૦/- રૂપિયાની વસુલાત કરવાની જાહેરાત

આજે દેશ અને ગુજરાતના ગામડાઓ ગરીબ, ખેડૂતો, મજૂરો અને શહેરોમાં મધ્યમવર્ગના પરિવારોમાં ખુબજ અફડાતફડીનો માહોલ છે. ફ્રોડ લિંક દ્વારા લેભાગુઓ છેતરપિંડીનો કારસો રચી રહયાં છે અને ગેરકાયદેસર એજન્ટો 1000ની જગ્યાએ 1200, 1500 લઈને લિંક કરાવી રહ્યા છે. પાન અને આધાર લિંક કરવા માટે લીધેલા દંડને ઇન્કમટેક્સમાં ક્રેડિટ આપીને જનતાને રાહત આપે અને જે લોકોના લિંક નથી થયા તેમના માટે સરકાર તરફથી સુચારુ વ્યવસ્થા થાય અને પહેલી એપ્રિલ ૨૦૨૩ ની ડેડલાઈન આપેલી છે કે જેના બાદ ૧૦૦૦૦ રૂપિયા દંડ અને પાનકાર્ડ ફ્રીજ થવાની વાત કરેલ છે તે મુદતને એક વર્ષ વધારીને જનતાને રાહત આપવામાં આવે ૧૩ કરોડ વ્યક્તિઓ પાસેથી ૧,૦૦૦/- રૂપિયા ૩૧ માર્ચ પહેલા અને પછી ૧૦,૦૦૦/- રૂપિયાની વસુલાત કરવાની જાહેરાત પછી લાગે છે કે, સરકાર માટે “આધાર – પાન લિંક કરાવવાના ચસકા એ ધન કમાવાના નુસ્ખા” બની ગયા છે.

Back to top button