ગૌતમ અદાણીને દર અઠવાડિયે 3000 કરોડનું નુકસાન, અમીરોની યાદીમાં આ નંબરે પહોંચ્યા !
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી હજુ પણ હિંડનબર્ગ રિપોર્ટના ફટકાનો સામનો કરી રહ્યા છે. તે હવે વિશ્વના બીજા સૌથી અમીર અબજોપતિનો દરજ્જો ગુમાવીને 23મા સ્થાને પહોંચી ગયા છે. બુધવારે જાહેર થયેલ M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2023માં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સંપત્તિમાં વાર્ષિક ધોરણે 35%ના ઘટાડા સાથે, ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $53 બિલિયન થઈ ગઈ છે. હુરુનના જણાવ્યા અનુસાર, અદાણીને ગયા વર્ષથી દર અઠવાડિયે રૂ. 3,000 કરોડનું નુકસાન થાય છે. આ સાથે અદાણી જૂથ પાછળ પડી ગયું અને ચીનના ઝોંગ શાનશાને એશિયાના બીજા સૌથી અમીરનો ખિતાબ પોતાના નામે કર્યો.જાન્યુઆરીમાં, યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણીની અસ્કયામતો તેમની ટોચ પરથી 60% થી વધુ ઘટી ગઈ હતી. આ રિપોર્ટ પહેલા અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ હતા. 24 જાન્યુઆરી 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી જૂથ સ્ટોક રિગિંગ અને છેતરપિંડી, ટેક્સ હેવન્સના અયોગ્ય ઉપયોગમાં સામેલ છે. જો કે, જૂથે દાવાઓને નકારી કાઢ્યા છે. તેના કારણે ગ્રૂપના લિસ્ટેડ શેરનું બજાર મૂલ્યમાં $130 બિલિયનનું નુકસાન થયું હતું.