કર્ણાટકમાં માર્ચના અંત સુધીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે તેમ છે. ત્યારે ભાજપ મિશન કર્ણાટકની તૈયારીઓમાં લાગી ગયું છે. જે અંતર્ગત ભાજપના નેતાઓની દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ નેતાઓને લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે કહી દેવામા આવ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકના પ્રવાસે જઈ ચૂંટણી પ્રચાર કરે તેવી અટકળો હાલ ચાલી રહી છે.
ભૂપેન્દ્ર પટેલ 26 માર્ચે કર્ણાટકના પ્રવાસે જશે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં કર્ણાટકમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આગામી 26 માર્ચે પ્રચાર કરવા માટે જશે.ત્યારે મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ અન્ય રાજ્યમાં પ્રચાર કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ તેઓ કર્ણાટકમાં જઈને ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠકો કરશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.
તમામ નેતાઓને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા આદેશ
મહત્વનું છે કે ગુજરાતના ભાજપના નેતાઓની મોદી અને અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક મળી હતી. રાજ્યમાં 26 બેઠકો પર ભાજપને જીતાડવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેમા ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યોને અત્યારથી જ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : હવે બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે,આ ફિલ્મ નિર્માતાએ કરી જાહેરાત