રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક જ આજે બપોરે સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. તેમણે જેલના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી. આ મુલાકાત તેમણે કેમ કરી તેની ચર્ચાઓ હાલમાં ચકડોળે ચડી છે. હજી તેમની મુલાકાતનો હેતુ સ્પષ્ટ થયો નથી. અધિકારીઓ સાથે તેમણે શું ચર્ચાઓ કરી તેની પણ જાણકારી સામે આવી નથી.
કાર્યક્રમ પડતો મૂકી જેલ પહોંચ્યા
હર્ષ સંઘવી શાહીબાગ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તેઓ અચાનક જ ત્યાંનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા. જેમાં તે જેલમાં કયા મુદ્દે મુલાકાત માટે ગયા છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમની સાથે રાજ્ય જેલવડા પણ હાજર રહ્યા હતા.
ઓચિંતી મુલાકાતને કારણે અનેક પ્રકારની અટકળો શરૂ
પોલીસ બેડામાં સાબરમતી જેલ ખાતે હર્ષ સંઘવીની આ ઓચિંતી મુલાકાતને કારણે અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી જેલમાંથી અનેક વખત કેદીઓ પાસેથી મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે તેમણે કેદીઓ અને જેલની સુરક્ષાને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની અટકળો વહેતી થઈ છે. તેમણે હાઈસિક્યુરિટી ઝોનની પણ મુલાકાત લીધી હોવાની વિગતો સામે આવી છે.