રાહુલ ગાંધી 23મી માર્ચે સુરત આવશે. તેમજ કોંગ્રેસ MLA-ક્રિકેટ મેચોમાં ભાગ નહીં લે. તથા પ્રદેશના તમામ નેતાઓ સુરત પહોંચશે. જેમાં યોગાનુયોગ એ દિવસે ભગતસિંહ- સુખદેવ- રાજગુરુનો શહીદ દિન છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 23મી માર્ચે સુરત આવે તેવી સંભાવના છે. એ દિવસે સુરત સેશન્સ કોર્ટમાં, રાહુલ ગાંધીના ભૂતકાળના એક નિવેદન સામે પૂર્વમંત્રી એવા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ દાખલ કરેલા કેસનો ચુકાદો આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 37 તાલુકામાં કમોસમી વરસાદ
પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહેશે
યોગાનુયોગ એ દિવસે ભગતસિંહ- સુખદેવ- રાજગુરુનો શહીદ દિન પણ છે. મોટાભાગે રાહુલ ગાંધી સીધા સુરત આવશે અને પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ ત્યાં હાજર રહેશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા સુરત પહોંચી સંકલન કરશે. નીરવ મોદી, લલિત મોદી કરોડોના કૌભાંડમાં ભાગેડુ જાહેર થયા એ પરિપ્રેક્ષ્યમાં રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જે પડકારવામાં આવ્યું હતું.
શાસક પક્ષ સામે ‘ફ્રેન્ડલી મેચ’ કેવી રીતે રમી શકીએ
દરમિયાન ભાજપના 156 ધારાસભ્યો માટે કોબા ખાતે સાંજે ક્રિકેટ મેચોનું જે આયોજન થયું છે, તેમાં ભાગ નહીં લેવાનું કોંગ્રેસે જાહેર કર્યું છે. કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ જાહેર કર્યું છે કે, ભાજપ વિધાનસભા પક્ષ તરફથી અમને ક્રિકેટ મેચમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે, પરંતુ વિધાનસભામાં પ્રો-રેટાનો આગ્રહ રાખીને વિપક્ષને પ્રજાના પ્રશ્નો રજૂ કરવામાં બાધા ઊભી કરાતી હોય ત્યારે અમે શાસક પક્ષ સામે ‘ફ્રેન્ડલી મેચ’ કેવી રીતે રમી શકીએ. અહીં નોંધવું રહ્યું કે, અગાઉ સ્પીકર દ્વારા હોળી નિમિત્તે જલસા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પણ કોંગ્રેસ પક્ષ શરીક થયો ન હતો.