‘આત્મનિર્ભર ભારત’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-2022 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના પાંચ તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ 79,375 કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે. એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી 54,730 જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં 20 માર્ચે એક જ દિવસમાં 20 MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા.
આ પણ વાંચો : લો બોલો, નકલી પીએમઓ અધિકારી ઠગ કિરણ પટેલની ‘સ્પેશિયલ 26’ જેવી ટીમ પણ
નાણાં-ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ 20 MoU દ્વારા રાજ્યમાં રૂ. 11,820 કરોડનું સૂચિત રોકાણ આવશે અને 16,100 જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MoU અન્વયે લિથીયમ-આયન બેટરી મટિરીયલ્સ એન્ડ એડવાન્સ ફાર્મા ઇન્ટરમીડીયેટ, ડેન્સ સોડા એશ, ફૂડ પ્રોસેસિંગ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ, API, ક્રાફટ એન્ડ ડૂપ્લેક્સ પેપર-બોર્ડ, પર્સનલ કેર માટેની સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ વગેરે ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણો આવશે.
આ ઉદ્યોગો દહેજ, સાયખા, ઝઘડિયા, સચિન, સરીગામ અને અંકલેશ્વર તેમજ દ્વારકા, ધોળકા તથા સાદરા-કડી માં પોતાના ઉત્પાદન એકમો દ્વારા 2025 સુધીમાં વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરશે. ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ MoU કરેલા છે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની એ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ આપ-લે કરી હતી.આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ્ટ–બી ના એમ.ડી. સુશ્રી મમતા હિરપરા, વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : રાજ્ય સરકારે બે વર્ષમાં આટલા કરોડની લોન લીધી, આટલાં કરોડનું દેવું