વિશ્વના સૌથી મોટા ઓઈલ નિકાસકાર સાઉદી અરેબિયાએ નિર્ણય કરતા એશિયન ખરીદદારો માટે ક્રુડ ઓઈલના ભાવમાં અપેક્ષા કરતાં વધુ વધારો કર્યો છે.
જુલાઈ મહિના માટે ક્રુડ ઓઈલના ભાવમાં આ વધારો ઉનાળામાં ઓઈલની ઊંચી માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાનો આ નિર્ણય ભારત માટે પણ ફટકા સમાન છે. ભારત સાઉદી અરેબિયામાંથી મોટા પ્રમાણમાં તેલની આયાત કરે છે. જુલાઈ મહિનામાં એશિયાઈ દેશો માટે આરબ લાઈટ ક્રૂડ ઓઈલનું ઓફિશિયલ વેચાણ મૂલ્ય (OSP)માં જૂનની તુલનાએ 2.1 ડોલર પ્રતિ બેરલનો વધારો કરાયો છે.
ક્રુડ ઓઈલમાં માર્કેટ વિશ્લેષકોના અનુમાનથી ઘણો વધારો
આ વધારો મોટાભાગના બજાર વિશ્લેષકોના અંદાજ કરતાં ઘણો વધારે છે. મોટાભાગના વિશ્લેષકોએ ક્રુડ ઓઈલની કિંમતમાં લગભગ $1.5નો વધારો થવાની આગાહી કરી હતી. રોઈટર્સના પોલમાં છમાંથી માત્ર એક જ ક્રુડ ઓઈલની કિંમતમાં 2 ડોલરનો ઉછાળો દર્શાવવામાં આવ્યો હતો.
એશિયાના એક ઓઇલ વેપારીએ જણાવ્યું હતું કે, ક્રુડ ઓઇલના ભાવમાં વધારાની ધારણા નહોતી, ખાસ કરીને આરબ લાઇટ ક્રૂડની કિંમતમાં. અમે આ નિર્ણયથી ચોંકી ગયા છીએ. વિશ્વની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોએ આ વધારો કર્યો છે. આ નિર્ણય જુલાઈમાં ઓઈલનું ઉત્પાદન 648,000 બેરલ પ્રતિદિવસ વધારવામાં આવશે તેવા ઓપેક પ્લસ દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ પણ લેવામાં આવ્યો છે. જોકે, ઓપેક પ્લસના સભ્ય દેશો જેમ કે રશિયા, અંગોલા અને નાઈજીરિયાને ઓઈલના ઉત્પાદનના લક્ષ્યાંકને પૂરો કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઓપેક પ્લસ દેશોને જુલાઈ અને ઓગસ્ટમાં ઓઈલના ઉત્પાદનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ઓઈલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર ચીન પણ શાંઘાઈ સહિત તેના કેટલાક શહેરોને લોકડાઉનમાંથી મુક્ત કરવા જઈ રહ્યું છે. કોવિડ-19ના કારણે લગાડવામાં આવેલા લોકડાઉનમાં છૂટ આપવામાં આવ્યા બાદ આ શહેરો ફરી તેની રફતારમાં જોવા મળી રહ્યાં છે.
એક એશિયન ટ્રેડરે કહ્યું કે, આ સમયે ક્રુડ ઓઈલની માંગ ઘણી વધારે છે. સાઉદી અરેબિયા ક્રુડ ઓઈલના ભાવમાં વધારો પરવડી શકે છે.
ભારત-ચીન બેરોકટોક રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઈલ ખરીદે છે
જો કે, આ દરમિયાન ભારત અને ચીન સતત રશિયન ઓઈલની ખરીદી કરી રહ્યા છે. આ દેશોએ યુક્રેન પરના હુમલા બદલ રશિયા સામે કોઈપણ પ્રકારના પ્રતિબંધો લાદવાનો ઈન્કાર કરી દીધો હતો. ભારત અને ચીન ભારે ડિસ્કાઉન્ટ પર રશિયન ઓઈલ ખરીદી રહ્યા છે.
સાઉદી અરામકોએ રવિવારે રાત્રે યુરોપિયન અને ભૂમધ્ય દેશો માટે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો કર્યો હતો. યુએસ માટે ક્રુડ ઓઈલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓપેક પ્લસ દેશોની શાખ પ્રભાવિત
ઓપેક પ્લસ દેશોના જૂથની બેઠક ગયા અઠવાડિયે મળી હતી. આ બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે ઓપેક દેશો રશિયાના તેલની ભરપાઈ કરવા માટે તેલનું ઉત્પાદન વધારશે. વાસ્તવમાં યુક્રેન પર રશિયાના હુમલાના કારણે પશ્ચિમી દેશોએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
જો કે, ઓપેકના નિર્ણય પછી તરત જ, સાઉદી અરેબિયાએ જાહેરાત કરી કે તે જુલાઈમાં એશિયા અને યુરોપમાં તેના ગ્રાહકો માટે ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો કરશે. ઓઈલ માર્કેટ માટે સમસ્યા એ છે કે ઓપેક પ્લસ દેશોની વિશ્વસનીયતા ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે. વાસ્તવમાં, ઓપેક પ્લસ દેશો ઓઈલનું એટલું ઉત્પાદન નથી કરી રહ્યા જેટલું તેઓએ જણાવ્યું હતું.