નવજોત સિંહ સિદ્ધુ 1 એપ્રિલે પટિયાલા જેલમાંથી મુક્ત થશે ? જોરદાર સ્વાગતની તૈયારીઓ શરૂ
પટિયાલા જેલમાં રોડ રેજ કેસના સંબંધમાં બંધ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની 1 એપ્રિલે મુક્તિ અંગેની અટકળોએ જોર પકડ્યું છે. જો કે જેલ પ્રશાસને આ અંગે મૌન સેવ્યું છે, પરંતુ સિદ્ધુના ખૂબ જ નજીકના ગણાતા જિલ્લા કોંગ્રેસ સમિતિ અર્બનના પૂર્વ વડા નરિન્દર પાલ લાલીએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
છૂટ્યા બાદ સરઘસ કાઢવામાં આવશે
જેલમાંથી છૂટ્યા બાદ એક સરઘસના રૂપમાં સિદ્ધુને પટિયાલામાં તેમના ઘરે લાવવામાં આવશે. આ દરમિયાન વિવિધ સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યાં લંગર પણ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ પછી તેણે 20 મેના રોજ પટિયાલા કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
સજા દરમિયાન એકપણ પેરોલ નથી લીધા
પરંતુ અત્યાર સુધીની સજામાં સિદ્ધુએ એક વખત પણ પેરોલ લીધો નથી. નિષ્ણાતોના મતે, ડ્રગની દાણચોરી અને અન્ય ગંભીર ગુનાઓમાં બંધ કેદીઓ સિવાય, બાકીના દરેકને તેમની કામગીરી અને વર્તનના આધારે મહિનામાં ચારથી પાંચ દિવસની છૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત કેદીને કેટલીક સરકારી રજાઓનો લાભ પણ મળે છે. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ છૂટનો લાભ લઈને સિદ્ધુ 1 એપ્રિલે જેલમાંથી મુક્ત થઈ શકે છે.