અદાણીની કંપનીઓમાં રોજગારી મામલે ગુજરાત સરકારના આંખ આડા કાન થયા છે. અદાણી પાવર દ્વારા 85% સ્થાનિકોને રોજગાર આપવાના નિયમનો ભંગ કર્યો છે. જેમાં નિયમનો ભંગ છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કંપનીઓમાં રોજગારી મામલે તપાસ કરવાની કોઈ જ જોગવાઈ ન હોવાનો સરકારનો દાવો છે.
આ પણ વાંચો: આસારામે મોટેરા આશ્રમમાં દુષ્કર્મના કેસની સજામાં જાણો કેવી માંગણી કરી
માત્ર દર છ મહિને કંપનીઓ પાસેથી રોજગારની માહિતી એકત્ર કરાય છે
અદાણી જૂથની કંપનીઓ હિસાબી ગોટાળા અને નાણાકીય કૌભાંડોને કારણે દેશ અને દુનિયામાં વિવાદોથી ઘેરાઈ છે. ત્યારે આ જૂથની કચ્છ ખાતે આવેલી કંપનીઓમાં રોજગારી તથા સ્થાનિકોને 85 ટકા રોજગારીના આંકડા આપવાનો રાજ્ય સરકારે ઇનકાર કરી દીધો છે. વિધાનસભામાં કચ્છમાં આવેલી અદાણી જૂથની કંપનીઓમાં કુલ રોજગાર તથા સ્થાનિકોને 85 ટકા રોજગાર આપવાના શ્રમ-રોજગાર વિભાગના તા.31-3-95ના ઠરાવનું પાલન સંદર્ભે કંપનીઓમાં તપાસ થાય છે કે નહીં, તેની વિગતો રાજ્ય સરકારે તેના લેખિત જવાબમાં આપી ન હતી અને એમ કહી દીધું હતું કે, કંપનીઓમાં રોજગાર વિષયક તપાસ કરવાની કોઈ જોગવાઈ નથી, માત્ર દર છ મહિને કંપનીઓ પાસેથી રોજગારની માહિતી એકત્ર કરાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર, જાણો કયા ખાબકશે કમોસમી વરસાદ
સ્થાનિકોને 85 ટકા રોજગાર આપવાની જોગવાઈ
જો કે રાજ્ય સરકારે તા.31-12-22ની સ્થિતિએ કચ્છમાં મુન્દ્રા ખાતે આવેલી અદાણી પાવર લિમિટેડ કંપનીમાં સ્થાનિકોને 85 ટકા રોજગાર આપવાનો નિયમ નહીં પાળવામાં આવતો હોવાનું કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે, અદાણી જૂથની કંપનીઓને સ્થાનિકોને 85 ટકા રોજગાર આપવાની જોગવાઈ બાબતે ધ્યાન દોરતા પત્રો લખ્યાં છે અને આ સિવાય એકમો સામે કોઈ ઠોસદાર કડક કાર્યવાહી થઈ નથી. એવું પણ જણાવાયું હતું કે, 85 ટકા સ્થાનિકોને રોજગાર સંબંધી ઠરાવના ભંગ બદલ નાયબ નિયામક રોજગાર, રાજકોટ દ્વારા એકમો સાથે બેઠક કરી જોગવાઈઓનું સુચારુરૂપે પાલન કરવા ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: 647 કરોડના બોગસ બિલિંગ કાંડનો આરોપી ઝડપાતા મોટા ખુલાસા થયા
જિલ્લા રોજગાર કચેરીએ ઠરાવના ભંગ અંગે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા રાજ્ય વેરા કચેરીને જાણ કરી છે. રોજગાર અને તાલીમ નિયામક કચેરી, ગાંધીનગર જરૂરી કાર્યવાહી માટે ઉદ્યોગ કમિશનર, ગાંધીનગરને જણાવ્યું છે. આ ઉલ્લંઘનની જાણ પછી તંત્ર દ્વારા શું પગલાં લેવાયા તેની કોઈ માહિતી લેખિત જવાબમાં અપાઈ ન હતી.