ખાલિસ્તાની આતંકીની ધમકીની ક્લિપ વાઈરલના બન્ને આરોપીએ નવો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં દિલ્હી તેમજ આ કેસ અંગે હવે NIAની ટીમ સાઈબર ક્રાઇમની તપાસમાં જોડાશે. જોગીન્દરે સમગ્ર સિસ્ટમ સેટઅપ કરી આપવામાં રાહુલની મદદ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: બોર્ડની પરીક્ષા સેન્ટરોમાં લાગેલ 6489 વર્ગખંડોના CCTV ચેક કરાશે
દિલ્હીના કેસમાં તપાસમાં NIAની ટીમ પણ જોડાશે
ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંઘની ધમકીભરી ઓડિયો ક્લિપ વાઈરલ કરનાર રાહુલ – નરેન્દ્ર નામના બન્ને આરોપીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં રાહુલ દુબઇથી સીમબોક્સ લઇને આવ્યો હતો પરંતુ મધ્યપ્રદેશમાં સીમબોક્સ સેટઅપ કરીને નકલી ટેલીફોન એક્સચેન્જ ઉભુ કરવા માટે રાહુલને મહારાષ્ટ્રના પૂનાના એક શખ્સે મદદ કરી હોવાનું સામે આવ્યુ છે. આથી સાયબર ક્રાઇમની ટીમે પૂનાથી તેની ધરપકડ કરી છે. જ્યારે રાહુલ પાંચ વખત દુબઇ ગયો તેમાંથી 3 વખત આતંકી સંગઠનના ગ્રુપના 3 શખ્સો સાથે તેણે મુલાકાત કરી હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. આથી હવે આ અને દિલ્હીના કેસમાં તપાસમાં NIAની ટીમ પણ જોડાશે તેવુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતુ.
સમર્થકો ઘૂસીને તોડફોડ કરશે અને ખાલિસ્તાની ધ્વજ ફરકાવશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત, 9 માર્ચે યોજાયેલ ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંઘ પન્નુની પ્રિરેકોર્ડ ઓડિયો ક્લિપ રાજ્યમાં 2 હજાર કરતા વધુ લોકોને મળી હતી. જેમાં મેચ દરમ્યાન સ્ટેડિયમમાં શીખ ફોર જસ્ટીસના સમર્થકો ઘૂસીને તોડફોડ કરશે અને ખાલિસ્તાની ધ્વજ ફરકાવશે. આથી દર્શકો મેચ જોવા ન જાય અને ઘરમાં સલામત રહે.
સાયબર ક્રાઇમે પૂનાથી જોગીન્દરની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો
આ ક્લિપ વાયરલ થતાં સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરીને MPના સતના અને રિવા જીલ્લામાં રેડ કરીને રાહુલ અને નરેન્દ્ર નામના આરોપીઓને ઝડપી પાડયા હતા. બન્ને શખ્સો પાસેથી 11 સીમબોક્સ, 168 સીમકાર્ડ, લેપટોપ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આરોપી રાહુલની પૂછપરછમાં સામે આવ્યુ કે, તે દુબઇ ગયો હતો જ્યાં તેને એક વિદેશી શખ્સ સાથે પાર્ટનરશિપ કરીને સીમબોક્સ સંચાલિત ટેલિફોન એક્સચેન્જ મધ્યપ્રદેશમાં શરૂ કર્યુ હતુ. આ સીમબોક્સનો સામાન દુબઇ ઉપરાંત મહારાષ્ટ્રના પૂનામાં રહેતા જોગીન્દર પાસેથી ખરિદ્યો હતો. જોગીન્દરે સમગ્ર સિસ્ટમ સેટઅપ કરી આપવામાં રાહુલની મદદ કરી હતી. જો કે, જોગીન્દર સાથે વિદેશી શખ્સે જ રાહુલને મુલાકાત કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આથી સાયબર ક્રાઇમે પૂનાથી જોગીન્દરની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાહુલ – નરેન્દ્રના બેંક એકાઉન્ટની તપાસ શરૂ
બન્ને આરોપીઓ દુબઇથી હવાલા તેમજ બેંક મારફતે પેમેન્ટ મંગાવ્યાની કબૂલાત કરી છે ત્યારે સાયબર ક્રાઇમે બન્ને આરોપી ઉપરાંત તેમના પરિવારજનોના બેંક ડિટેઇલ્સની વિગતો માટે બેંકને લેટર લખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. આટલું જ નહીં, હવાલાથી કોણા મારફતે તેઓને પેમેન્ટ મળ્યુ તેની વિગતોના આધારે પણ તપાસ સાયબર ક્રાઇમે શરૂ કરી છે.