અમદાવાદમાં રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો, મહિલા પોલીસકર્મીને માર મારતા ચારની ધરપકડ
અમદાવાદમાં રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાં કાળીગામમાં બુટલેગરના ઘરે રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બુટલેગરની પત્ની, માતા અને બહેને રેડ પાડવા ગયેલ મહિલા પોલીસ કર્મીને માર માર્યો હતો.
રેડ પાડવા ગયેલ પોલીસ પર હુમલો
જાણકારી મુજબ અમદાવાદ સાબરમતી પોલીસને બાતમી મળી હતી કે કાળીગામમાં રહેતો દીપક નામનો વ્યક્તિ તેના ઘરમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ પાડવા પહોંચી હતી. આ રેડમાં દીપક દારૂ વેચતા ઝડપાયો હતો.
મહિલા પોલીસ પર હુમલો કરતા ચારની ધરપકડ
પોલીસ દીપકને પકડીને લઈ જઈ રહી આ દરમિયાન દીપકની પત્ની, માતા અને બહેન ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને બુમાબુમ કરવા લાગ્યા હતા. અને તેઓએ મહિલા પોલીસ કર્મી પર હુમલો કરી દીધો હતો. તેમણે મહિલા પોલીસકર્મીના વાળ ખેંચીને તેમની સાથે ઝપાઝપી કરી અને ગાલ પર લાફા મારી દીધા હતા. આ જોતા મહિલા પોલીસ કર્મીને બચાવવા હાજર પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને સુરક્ષા માટે વધારાની પોલીસને બોલાવીને દીપક, તેની પત્ની, માતા અને બહેન સહિત ચારેય લોકોની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ થઈ હેક, આટલી માહિતીઓ લીક થઈ હોવાનો દાવો