દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. કલાસ વન અધિકારી કાજલ દવેને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા છે. ગોધરા અને દાહોદની ACBની ટીમે તેમને છટકું ગોઠવી આબાદ ઝડપી લેતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કાર્યવાહીના પગલે જિલ્લાભરમાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
શા માટે લીધી હતી લાંચ ?
એસીબીએ કાજલ દવેને લાંચ લેતા ઝડપી લીધા હોય ત્યારે તેઓની પ્રાથમિક તપાસ અનુસાર આ અધિકારીએ એક શિક્ષક પાસે NOCમાં સહી કરવા માટે 10 હજાર રૂપિયાની માંગ કરી હતી. પરંતુ શિક્ષકે આ બાબતે ACBને જાણ કરતાં છટકુ ગોઠવવામાં આવ્યું અને અધિકારીને રંગેહાથે 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. આ ઘટના બાદ સમગ્ર શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
ગોધરા અને દાહોદની ACBની ટીમે અચાનક રેડ પાડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદમાં શિક્ષણાધિકારીની કચેરીમાં ગોધરા અને દાહોદની ACBની ટીમે અચાનક રેડ પાડી હતી. આ રેડમાં ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી જ લાંચ લેતા ઝડપાઈ ગયાં હતાં. શરૂઆતમાં તેમણે ACBની ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું પરંતુ બાદમાં તેમની શાન ઠેકાણે આવી ગઈ હતી. ACBની ટીમ તેમને વધુ પુછપરછ માટે લઈ ગઈ હતી.
મિલકત જડતી લેવા તજવીજ
એસીબીના છટકામાં આબાદ ઝડપાયેલા મહિલા જિલ્લા શિક્ષણ અધિકારી સામે હવે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ તેની મિલકત જડતી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક કલાસ વન અધિકારી જે લાખો રૂપિયા જેટલો પગાર પાડતો હોય છે તે માત્ર 10 હજાર રૂપરડી જેવી મામુલી રકમમાં મોં નાખવા જાય અને તેમાં પણ જ્યારે તે ઝડપાઈ જાય ત્યારે અન્ય અધિકારીઓ માટે આ લાંચ લેવા જેવા બાબત આબરૂના લીરા ઉડાડે છે.