મધ્યમ વર્ગીય લોકો પહેલેથી જ મોંઘવરીનો સામનો કરી રહ્યા છે તેવામાં મકાનોના ભાવ પણ હવે 50 લાખની આસપાસ થઈ ગયા છે. મધ્યમ વર્ગીય માટે હવે મકાન લેવું એક સપનું બનતું દેખાઈ રહ્યું છે અને આંકડા પણ એવું જ કહી રહ્યા છે. ગત વર્ષથી સતત વધી રહેલા વ્યાજ દરોએ નાના ઘર ખરીદનારાઓને નિરાશ કર્યા છે. જ્યારે મોંઘા મકાનો ખરીદનારાઓને તેની અસર થઈ નથી. SBIના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં, કુલ લોનમાં તમામ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો તરફથી 30 લાખ રૂપિયા સુધીની નવી આપવામાં આવેલી હોમ લોનનો હિસ્સો ઘટીને 45 ટકા થઈ ગયો છે. જૂન ક્વાર્ટરમાં આ હિસ્સો 60 ટકા હતો.રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 50 લાખથી વધુની હોમ લોનનો હિસ્સો 15 ટકાથી વધીને 25 ટકા થયો છે. આ દર્શાવે છે કે વધતા વ્યાજ દરોની અસર ઓછી આવક ધરાવતા લોકો પર વધુ પડે છે જેઓ પોસાય તેવા ઘરો ખરીદે છે. RBIએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં છ વખત 2.50 ટકાનો વધારો કર્યો છે. બેન્કોએ એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે રૂ. 1.80 લાખ કરોડની હાઉસિંગ લોનનું વિતરણ કર્યું હતું. 2021-2022માં આ સમયગાળા દરમિયાન 1.40 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી.લગભગ 55 લાખ હોમ લોન એકાઉન્ટ્સ એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ્સ (EBLR) સાથે જોડાયેલા છે. હોમ લોનને ઓક્ટોબર, 2019માં રેપો રેટ સાથે જોડવામાં આવી હતી. રેપો રેટમાં 2.50 ટકાનો વધારો રિટેલ ગ્રાહકોના હપ્તાના વ્યાજમાં વાર્ષિક 16 ટકાનો વધારો કરશે. RBIના નિર્ણયથી હોમ લોન ગ્રાહકોના વ્યાજમાં રૂ. 20,000 કરોડનો વધારો થઈ શકે છે. માત્ર 8.2 લાખ હોમ લોન ગ્રાહકો છે જે લોનની પ્રીપેમેન્ટ કરી શકે છે.
આ રીતે ઘર ખરીદનારાઓ પર વ્યાજની અસર
- હોમ લોનના કુલ ગ્રાહકો 1.15 કરોડ
- બાકી રકમ રૂ. 18.9 લાખ કરોડ
- EBLR શેર 48 ટકા
- EBLR સાથે જોડાયેલા હોમ લોન ગ્રાહકો 55.2 લાખ – બાકી રકમ 9.1 લાખ કરોડ
- 47 લાખ ગ્રાહકોએ હપ્તો, કાર્યકાળ અથવા બંનેમાં વધારો કર્યો, રકમ 8.2 લાખ કરોડ હતી