ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો, પૂર્વ આરોગ્ય મંત્રી દીપક સાવંતે પકડ્યો શિંદેનો હાથ

Text To Speech

મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદથી ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેનાનું ચિહ્ન અને નામ આપ્યા બાદ ફરી એકવાર આવું જ કંઈક થયું છે. ઠાકરે જૂથના નેતા અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી દીપક સાવંતે ઠાકરેનો પક્ષ છોડી દીધો છે. દીપક સાવંતે સીએમ એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનાનું સભ્યપદ લીધું. એક પછી એક નેતાઓની વિદાયથી ઉદ્ધવ ઠાકરે જૂથ નબળો પડતો જોવા મળી રહ્યો છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આગામી ચૂંટણીમાં તેનો ફાયદો એકનાથ શિંદેને મળશે.

મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નજીકના સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ શિવસેનામાં જોડાઈ ગયા હતા. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. આ દરમિયાન ભૂષણ દેસાઈએ કહ્યું હતું કે બાળાસાહેબ મારા ભગવાન છે. એકનાથ શિંદે હિન્દુત્વના વિચારોનો પ્રચાર કરી રહ્યા છે. મને તેનામાં વિશ્વાસ છે.

આદિત્ય ઠાકરેએ શું આપી પ્રતિક્રિયા?

આદિત્ય ઠાકરેએ રાજકીય ઘટનાક્રમ પછી પ્રતિક્રિયા આપી હતી. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘ભૂષણ દેસાઈને શિવસેના સાથે કોઈ લેવા-દેવા નથી. જેમને વોશિંગ મશીન પર જવું હોય તેમણે જવું જ પડશે. સુભાષ દેસાઈ અમારી સાથે છે. તેઓ ચોવીસ કલાક ઉદ્ધવ ઠાકરેની સાથે છે. તેઓ અમારો સાથ ક્યારેય છોડશે નહીં.

ચૂંટણી પંચે શિંદે જૂથને શિવસેના તરીકે માન્યતા આપી

17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી હતી. શિંદે જૂથને પણ ‘ધનુષ અને તીર’ ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત ભાજપ અને શિંદે જૂથ પર નિશાન સાધી રહ્યા છે.

Back to top button