ગુજરાતટોપ ન્યૂઝ

દેશની કુલ નિકાસમાં ૩૩ ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને: ઉદ્યોગ મંત્રી

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓના જવાબમાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના સકલ ઘરેલું ઉત્પાદન(GDP)માં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે રહ્યો છે. રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક રાજ્યની ઓળખ ધરાવતા ગુજરાતની વિકાસગાથાને વધુ આગળ ધપાવવા ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રાજ્ય સરકારે કુલ રૂ. ૮,૫૮૯ કરોડની જોગવાઇ કરી છે.

આ પણ વાંચો: ગ્રાહક કોર્ટનો મોટો ચુકાદો: મેડિક્લેમની રકમ મેળવવા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

રૂ.૧૮ લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયું

વધુમાં જણાવ્યું હતુ કે, દેશની કુલ નિકાસમાં ૩૩ ટકાના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. છેલ્લાં ૮ વર્ષમાં દેશમાં થયેલ આશરે રૂ.૩૨ લાખ કરોડના વિદેશી મૂડી રોકાણ પૈકી ૫૭ ટકા એટલે કે રૂ.૧૮ લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. નીતિ આયોગના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્‍કિંગમા સમગ્ર દેશમાં ગુજરાતે ટોપ એચિવર સ્ટેટમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાત ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રનું પાવરહાઉસ છે. ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી છે જેના થકી ગુજરાત સમગ્ર દેશમાં “મેક ઇન ઇન્ડિયા અભિયાન” હેઠળ તમામ રાજયોમાં સાચા અર્થમાં અગ્રેસરની ભૂમિકા ભજવી છે.

એપ્રિલ-ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન ૪.૧ બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું

દેશની માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા જમીન વિસ્તાર ધરાવતા ગુજરાતનો ૨૦૨૦-૨૧માં જી.એસ.ડી.પી. ભારતના જી.ડી.પી.નો ૮.૨૭ ટકા રહ્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ, પારદર્શક રીતે અને ઝડપી મંજૂરીઓ મળવાથી રાજ્યમાં ઉદ્યોગો માટે અવિરત વીજ પુરવઠો સાથે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો માર્ગ મોકળો થયો છે.

સરકારના આ હકારાત્મક પ્રયાસોએ ઉદ્યોગકારોને આકર્ષિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮.૧૪ ટકાના યોગદાન સાથે ગુજરાત દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે. ભારતના કુલ નિશ્ચિત મૂડી રોકાણના લગભગ ૨૦.૬ ટકા સાથે, ગુજરાત તે શ્રેણીમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૨માં પણ ગુજરાતમાં એપ્રિલ-ડિસેમ્બર, ૨૦૨૨ દરમિયાન ૪.૧ બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે ગયા વર્ષે પ્રાપ્ત કુલ સીધા વિદેશી રોકાણના ૧૫૩ ટકા છે.

ગુજરાત મોટી ભારતીય કંપનીઓ માટેનું ઉદ્ભવ સ્થાન રહ્યું

ગુજરાત, ઉદ્યોગ સાહસિકોની ભૂમિ હોવાને કારણે કેટલીક મોટી ભારતીય કંપનીઓ માટેનું ઉદ્ભવ સ્થાન રહ્યું છે, ગુજરાતની આ સહજ સંસ્કૃતિનો આ મજબૂત પાયો તેને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતું આગવું રાજ્ય બનાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના સ્ટાર્ટઅપ્સ/ઇનોવેટર્સને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી- ૨૦૨૦ હેઠળ “સ્ટાર્ટઅપ્સ નવીનતા પ્રોત્સાહન યોજના” અમલી કરાઈ છે જે સ્ટાર્ટઅપ્સને ૩૬૦ ડીગ્રી સપોર્ટ કરે છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાના મહત્વના ચાલકબળ બનાવવા અને ભારતને ફાઇવ ટ્રિલિયન યુ.એસ. ડોલર અર્થતંત્રના લક્ષ્ય તરફ લઈ જવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Back to top button