નેશનલ ડેસ્કઃ પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાની મીડિયા સમક્ષ ખાલિસ્તાનનો નવો નકશો રજૂ કર્યો હતો. ખાસ વાત એ છે કે, આ નકશામાં શિમલાને રાજધાની તરીકે દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, પન્નુએ પંજાબની ‘આઝાદી’ માટે જનમત સંગ્રહની તારીખ પણ જાહેર કરી છે. સંગઠને પાકિસ્તાન સરકાર પાસે સમર્થન માંગ્યું છે.
ન્યુયોર્કમાં રહેતા પન્નુએ લાહોર પ્રેસ ક્લબમાં મીટીંગ કરી હતી. આ બેઠકમાં ‘પંજાબ સ્વતંત્રતા લોકમત’ની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય પન્નુ દ્વારા ખાલિસ્તાનનો નકશો પણ રજૂ કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો છે કે, શિમલા ખાલિસ્તાનની ભાવિ રાજધાની હશે. અહેવાલ છે કે, SFJના આ કહેવાતા નકશામાં વર્ષ 1966 પહેલાના પંજાબના વિસ્તારો છે. જેમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના શીખ બહુલ વિસ્તારનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પન્નુએ પાકિસ્તાની પત્રકારોને જણાવ્યું કે, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 26 જાન્યુઆરી 2023થી ગણતંત્ર દિવસના અવસર પર ‘પંજાબ સ્વતંત્રતા જનમત’ શરૂ થશે. તે ભારતમાં ગેરકાયદેસર છે અને સરકારે તેને માન્યતા આપી નથી. ખાસ વાત એ છે કે, આ જનમત સંગ્રહ 31 ઓક્ટોબર 2021ના રોજ લંડનમાં બિનસત્તાવાર રીતે શરૂ થયો હતો. આ ઉપરાંત ઈટાલી અને સ્વિત્ઝરલેન્ડમાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં વોન્ટેડ પન્નુએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને રાજદ્વારી સમર્થન આપવા માટે અપીલ કરી છે. તે જ સમયે, તેણે પાકિસ્તાન સરકારને ‘નવા અને મૈત્રીપૂર્ણ પાડોશી’ પ્રાપ્ત કરવા માટે આ તકનો લાભ લેવા કહ્યું છે. પન્નુએ કહ્યું, ‘એકવાર સ્વતંત્ર થયા પછી પાકિસ્તાનની સાથે ખાલિસ્તાન દક્ષિણ એશિયામાં શક્તિનું સંતુલન બદલશે અને આ ક્ષેત્રમાં જરૂરી સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ લાવશે’ તેવું પન્નુએ કહ્યું હતું.