મીનારક કમુરતાનો પ્રારંભઃ શુભ કાર્યો વર્જિત, કઇ રાશિએ સાવધાન રહેવુ?
સુર્યનો કોઇ પણ રાશિમાં પ્રવેશ સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સુર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મીન સંક્રાંતિ કહેવાય છે. મીન રાશિમાં સુર્યનો પ્રવેશ વિશેષ પરિણામો આપે છે. બિમારીઓ અને રોગ વધે છે. લોકોના મનમાં ચંચળતા આવે છે. આ કારણોથી શુભ કાર્યો આ સમયમાં વર્જિત ગણાય છે. આ સમયને મીનારક કમુરતા પણ કહેવાય છે. તેને ખરમાસ કે મલમાસ પણ કહેવાય છે. આજે સુર્યએ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. તેથી આ વખતે મીનારક 15 માર્ચથી 14 એપ્રિલ સુધી રહેશે. આ મહિનામાં મેષ. કર્ક, સિંહ, કન્યા, ઘન અને કુંભ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે.
પંચાંગ પ્રમાણે વર્ષમાં બે કમુરતા આવે છે. સુર્યદેવ ધન રાશિમાં ભ્રમણ કરે ત્યારે ધનારક અને મીન રાશિમાં ભ્રમણ કરે ત્યારે મીનારક કમુરતા આવે છે. આ સમય દરમિયાન લગ્ન, વાસ્તુ, જનોઇ, મુંડન, ગૃહપ્રવેશ જેવી બાબતોને વર્જિત માનવામાં આવે છે.
કેમ આ સમયમાં માંગલિક કાર્યો થતા નથી?
મીનારક બાદ લગ્ન-વિવાહ જેવા શુભ અને માંગલિક કાર્યો વર્જિત કહેવાય છે. આ સમયે જો લગ્ન કરવામાં આવે તો વ્યક્તિને ભાવનાત્મક કે શારીરિક સુખ મળી શકતુ નથી. આ સમયે નવા મકાનનું નિર્માણ કે સંપતિનું રોકાણ કરવું પણ વર્જિત કહેવાય છે. આ સમયગાળામાં બનેલા મકાનો નબળા હોય છે. તેમાં રહેવાથી શાંતિ મળી શકતી નથી. આ દરમિયાન કોઇ નવી જોબ કે વ્યવસાયનો આરંભ પણ ન કરવો. આ સમયગાળામાં કરેલા કાર્યો સંબંધો ખરાબ કરે છે.
સુર્યના મીન રાશિમાં પ્રવેશથી આ રાશિઓએ ધ્યાન રાખવું
- મેષઃ આંખોનું ધ્યાન રાખવું, યાત્રા કરતી વખતે સાચવવું
- વૃષભઃ રોકાયેલા કામ પુર્ણ થશે અને સંપતિનો લાભ થશે.
- મિથુનઃ પદ પ્રતિષ્ઠાને લાભ થશે, આરોગ્ય સુધરશે
- કર્કઃ આરોગ્યમાં અને યાત્રાઓમાં ઘ્યાન રાખવું
- સિંહઃ દુર્ઘટનાઓથી સાવધાન રહેવું, પારિવરિક વિવાદથી બચવુ.
- કન્યાઃ વૈવાહિક જીવનનું ધ્યાન રાખવુ, નવા કામની શરૂઆત ન કરવી
- તુલાઃ સમસ્યાઓથી છુટકારો મળશે, ધનનું આગમન થશે.
- વૃશ્વિકઃ આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવુ
- ધનઃ આરોગ્ય અને કરિયરનું વિશેષ ધ્યાન રાખવુ
- મકરઃ રોકાયેલા કાર્યો પુર્ણ થશે. મોટી સફલતા મળશે.
- કુંભઃ આંખ અને મોંની સમસ્યાથી સાચવજો, નાની નાની ઇજાઓનું ધ્યાન રાખજો.
- મીનઃ કરિયરમાં આકસ્મિક પરિવર્તન થઇ શકે છે.
મીનારક કમુર્તાના વિશેષ ઉપાય
આ રાશિ પરિવર્તનનો પ્રભાવ સામાન્ય રહેશે. મોટાભાગના લોકોના જીવનમાં વાદ-વિવાદ વધશે, પરંતુ લોકોનો ઝુકાવ ઇશ્વર તરફ રહેશે. મેષ, સિંહ અને મીન રાશિના લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું. આ સમયે સુર્યને હળદર મિશ્રિત જળ અર્પિત કરો. રોજ સવાર સાંજ સુર્ય મંત્રનો જાપ કરો. વધુ સમસ્યા હોય તો રવિવારનું વ્રત કરો અને ગોળનું દાન કરો.