સ્પોર્ટસ

બીસીસીઆઈની ઈન્દોર ટેસ્ટ માટે ખરાબ પિચ રેટિંગને લઈને આઈસીસીમાં અપીલ

Text To Speech

બીસીસીઆઈએ ઈન્દોર ટેસ્ટ માટે ખરાબ પિચ રેટિંગને લઈને આઈસીસીમાં ઔપચારિક અપીલ દાખલ કરી છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનની માલિકીના ઈન્દોરના હોલકર સ્ટેડિયમ સાથે જોડાયેલા અધિકારીએ આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICCની બે સભ્યોની પેનલ આ મામલે તપાસ બાદ ICCના નિર્ણયની સમીક્ષા કરશે અને 14 દિવસની અંદર પોતાનો ચુકાદો આપશે.

ત્રણ દિવસમાં જ પૂર્ણ થઈ હતી મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસમાં ઈન્દોરમાં પૂરી થઈ ગઈ હતી. આ મેચમાં પ્રથમ બે દિવસમાં 30 વિકેટ પડી હતી. આ ટેસ્ટમાં 31માંથી 26 વિકેટ સ્પિન બોલરોએ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી અને શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી. દરમિયાન મેચ રેફરી બ્રોડે જણાવ્યું હતું કે “પીચ ખૂબ જ શુષ્ક હતી અને બેટ અને બોલ વચ્ચે સંતુલન પૂરું પાડતી ન હતી, જે શરૂઆતથી સ્પિન બોલરોની તરફેણ કરતી હતી. સમગ્ર મેચ દરમિયાન પિચમાં અતિશય અને અસમાન ઉછાળો હતો”.

ત્રણમાંથી 2 ડીમેરિટ પોઈન્ટ મેળવવા પ્રયાસ

બ્રોડના નબળા રેટિંગનો અર્થ એ થયો કે મેદાનને હવે ત્રણ ડીમેરિટ પોઈન્ટ મળ્યા છે. તે પાંચ વર્ષના સમયગાળા માટે સક્રિય રહેશે. જો તેને વધુ બે ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવશે તો ગ્રાઉન્ડ 12 મહિના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવાથી સસ્પેન્ડ થઈ જશે. પ્રથમ બે ટેસ્ટ માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા નાગપુર અને દિલ્હીમાં વપરાતી સપાટીઓને એવરેજ તરીકે વર્ણવવામાં આવી હતી. આ બંને ટેસ્ટ પણ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ અને ભારતે બંને મેચ જીતી લીધી. મેચ રેફરીઓ પાસે રેટિંગ પિચ માટે છ સ્કેલ હોય છે. ખૂબ સારું, સારું, સરેરાશ, સરેરાશથી નીચે, પુઅર અને અયોગ્ય. ડીમેરિટ પોઈન્ટ્સ માત્ર એવરેજથી ઓછા રેટિંગવાળી નબળી અથવા અયોગ્ય પિચોને આપવામાં આવે છે.

ઈન્દોરને ઉતાવળમાં હોસ્ટિંગ મળ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ધર્મશાળામાં રમાવાની હતી, પરંતુ બીસીસીઆઈની તપાસ સમિતિને જાણવા મળ્યું કે આ મેદાન શિયાળામાં ટેસ્ટ મેચ યોજવા માટે તૈયાર નથી. ધર્મશાળાના મેદાનના ઘણા ભાગોમાં પૂરતું ઘાસ ન હતું. આ પછી, બીસીસીઆઈએ 1 માર્ચે આ મેચનું હોસ્ટિંગ ઈન્દોરને આપ્યું હતું, જ્યારે મેચ 13 માર્ચથી શરૂ થવાની હતી.

Back to top button