પાલનપુર : ડીસાના કુંપટ ગામે યોજાયો ભાતીગળ લોક મેળો
- બાળકોને ઓરી અછબડા ના રોગથી મુક્ત રાખવા લોકોએ બાધા આખડી પૂરી કરી
પાલનપુર : બનાસકાંઠા ના ડીસાના કૂંપટ ગામે આજે શિતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો.જ્યાં બાળકોમાં થતા ઓરી,અછબડા અને આંખો ના રોગ માટે ની બાધા આખડી પુરી કરવા માટે આજુબાજુ ના 50 થી વધુ ગામોના લોકોએ આવે છે અને શિતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું માહત્મ્ય છે. ત્યારે આજે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ફાગણ મહિનામાં ઉજવાતા શીતળા સાતમની ઉજવણી મહદ અંશે રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાય છે.
ત્યારે આજે ડીસા તાલુકાના કુપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ આજે શીતળા સાતમનો અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો.
વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા હતા. આમ તો શીતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે.. એક શીતળા સાતમ શ્રાવણમાસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે.જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે. જોકે અહીં યોજાતા મેળામાં લોકો અનોખી બાધા આખડી પુરી કરવા આવે છે
ખાસ કરીને બાળકોમાં થતા ઓરી અછબડા ના રોગમાં બાળક જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે બાળકોને મીઠાથી કે સાકરથી તોલવાની બાધા તેમજ આંખો માં થતા રોગ થયો હોય તો માતાજીને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે. આજે આ બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુના 50 થી પણ વધુ ગામના હજારો શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે આવ્યા હતા.
કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી. ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પણ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવતા આપણી ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ આવા ભાતીગળ મેળામાં જોવા મળે છે.
આ પણ વાંચો : પાલનપુર: સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા પરીક્ષા આપતા ધોરણ 10 અને 12 ના છાત્રોને તિલક કરી મીઠું કરાવ્યું