કેમ મનાવવામાં આવે છે પાપમોચની એકાદશીઃ શું છે આ વ્રતનું મહત્ત્વ
હોલિકા દહન અને ચૈત્ર નવરાત્રિ વચ્ચે આવતી એકાદશીને પાપમોચની એકાદશી કહે છે. આ સંવત વર્ષની છેલ્લી એકાદશી છે. પાપમોચની એકાદશી અંગે એવું કહેવાય છે કે જો કોઇ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તો તેને તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે.
આખા વર્ષ દરમિયાન ઉજવાતી વિવિધ એકાદશી તિથિઓનું અલગ અલગ મહત્વ હોય છે. આવી સ્થિતિમાં આ એકાદશી પાપોનો નાશ કરનારી એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ મોક્ષનો હકદાર બને છે.
પાપમોચની એકાદશી વ્રત વિશે એવું પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી ગાયના દાન કરતાં વધુ પુણ્ય મળે છે. આ ઉપરાંત જે લોકો આ શુભ વ્રતનું પાલન કરે છે તેઓ તમામ પ્રકારના દુન્યવી સુખો ભોગવે છે અને અંતે ‘વૈકુંઠ’માં સ્થાન મેળવે છે.
પદ્મ પુરાણ અનુસાર, એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પાપોમાંથી મુક્તિ મેળવવાનું સાધન પૂછ્યું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને એકાદશી વ્રતનો મહિમા જણાવ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે એકાદશી ઉપવાસ એ છે જે દુ:ખ અને ત્રિવિધ તાપથી મુક્તિ આપે છે, તે હજારો યજ્ઞોના અનુષ્ઠાનની તુલના બરાબર છે. યુધિષ્ઠિરે આ વ્રત ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા નિયમો અનુસાર રાખ્યું હતું. જેના કારણે તેમના તમામ દુ:ખ દૂર થઈ ગયા અને પાપોનો અંત આવ્યો હતો.
ક્યારે છે પાપમોચની એકાદશી
હિંદુ પંચાંગ અનુસાર 17 માર્ચ અને શુક્રવારની રાતે 12.07 વાગ્યે એકાદશીનો પ્રારંભ થશે. તેનું સમાપન 18 માર્ચના રોજ રાતે 11.12 મિનિટે થસે. ઉદયા તિથિ અનુસાર 18 માર્ચે પાપમોચની એકાદશી મનાવવામાં આવશે. આ દિવસે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઇએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પ્રકારના દોષ દુર થાય છે.
આ પણ વાંચોઃ અંબાજી : માતાના ભક્તોની આસ્થાનો વિજય, મોહનથાળ અને ચીકી બંન્નેનો પ્રસાદ મળશે