દક્ષિણ કોરિયા-અમેરિકાનો સૈન્ય અભ્યાસ આજથી શરૂ, ઉત્તર કોરિયાએ જવાબમાં મિસાઈલોનું પરીક્ષણ કર્યું
ઉત્તર કોરિયાએ રવિવારે 1500 કિ.મી. રેન્જની બે વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની સ્ટેટ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કિમ જોંગની હાજરીમાં સબમરીનમાંથી આ મિસાઇલો છોડવામાં આવી હતી. આ ક્રૂઝ મિસાઇલો દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય કરારના એક દિવસ પહેલા છોડવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટનું પરિણામ આવે તે પહેલા જ ભારત WTC ફાઈનલ માટે ક્વોલિફાઈ ! જાણો કેવી રીતે
દક્ષિણ કોરિયાએ કહ્યું- મિસાઈલ પરીક્ષણની તપાસ કરશે
ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે અમે અમેરિકા અને તેની કઠપૂતળી દક્ષિણ કોરિયાથી ઉભા થઈ રહેલા સંકટને ટાળવા માટે આ મિસાઈલ લોન્ચિંગ કર્યું છે. મિસાઈલ પરીક્ષણ પર પ્રતિક્રિયા આપતા દક્ષિણ કોરિયાએ કહ્યું કે આ પરીક્ષણ દરમિયાન સેના અને ગુપ્તચર વિભાગને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ મિસાઈલ પરીક્ષણોની વિશેષતાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયા અને અમેરિકા સોમવારથી એટલે કે આજથી સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. જેને છેલ્લા 5 વર્ષની સૌથી મોટી કવાયત ગણાવવામાં આવી રહી છે. આ કવાયતને ‘ફ્રીડમ શીલ્ડ‘ નામ આપવામાં આવ્યું છે.
ટેસ્ટ દરમિયાન ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા
9 માર્ચના રોજ, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમની સેનાને વાસ્તવિક યુદ્ધ માટે લશ્કરી કવાયતને વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન 6 મિસાઈલનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે આ ટેસ્ટની તસવીરો સામે આવી છે. તસવીરોમાં કિમ જોંગ તેની પુત્રી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાજર હતા.