IND vs AUS : અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસના અંતે મેચ રોમાંચક મોડમાં, ભારત 88 રનથી આગળ
અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 571 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં કોઈ પણ નુકશાન વિના 3 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને મેથ્યુ કુનહેમેન અણનમ પરત ફર્યા હતા. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 186 રન બનાવ્યા હતા. આ રીતે પ્રથમ દાવના આધારે ટીમ ઈન્ડિયાને 91 રનની લીડ મળી ગઈ છે. ભારત તરફથી વિરાટ કોહલી સિવાય શુભમન ગિલે 128 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય ઓલરાઉન્ડર અક્ષર પટેલે 79 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરતે 44 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના બોલરોની વાત કરીએ તો ઓફ સ્પિનર નાથન લિયોન અને ટોડ મર્ફીને સૌથી વધુ 3-3 સફળતા મળી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને મેથ્યુ કુનહેમેનને 1-1 વિકેટ મળી હતી. જો કે હવે આ ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું અને 480 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 180 રન બનાવ્યા હતા. આ સિવાય ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને 114 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
અત્યાર સુધીની મેચમાં શું થયું?
ભારત તરફથી રવિ અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં રવિ અશ્વિને 6 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ શમીને 2 સફળતા મળી છે. જ્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે આ સીરીઝની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. ભારતીય ટીમે નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જોકે ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટમાં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. અમદાવાદ ટેસ્ટને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો : સેન્ચુરી કિંગ વિરાટ કોહલી પાસેથી શીખવા જેવા છે આ પર્સનાલિટીની ટિપ્સ