ગુજરાત સરકારની આ યોજનાના શક્યતાદર્શી રિપોર્ટ પાછળ 216.50 કરોડનો ખર્ચ કરાયો
ગુજરાત સરકારે વર્ષ 2003માં કલ્પસર યોજના શરૂ કરવા વહીવટી મંજૂરી આપી હતી, હવે 20 વર્ષ બાદ પણ શક્યતાદર્શી અહેવાલ તૈયાર થવાના તબક્કે છે ત્યારે આ રિપોર્ટ પાછળ અત્યાર સુધીમાં 216.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ પૂર્ણ થશે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી જરૂરી મંજૂરી મેળવવામાં આવશે અને એ પછી શક્ય તેટલું વહેલું કામ શરૂ કરાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગયા વર્ષ કરતા 11 ઘણું વધુ ડ્રગ્સ પકડાયું તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો
વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત મીઠા પાણીનું જળાશય
ગુજરાત વિધાનસભા ગૃહમાં શનિવારે એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી હતી. ખંભાતના અખાતમાં ભાવનગરથી પાણીયાદ્રા, ભરૂચ વચ્ચે 30 કિ.મી. લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત મીઠા પાણીનું જળાશય ઊભો કરવાનો મુખ્ય હેતુ કલ્પસર યોજના પાછળ છે. આ યોજનામાં પૂર્ણ શક્યતા દર્શી અહેવાલ (ડીપીઆર) તૈયાર કરવા વર્ષ 2020-21માં 4924.99 લાખ, 2021-22માં 4065.35 લાખ અને 2020-23ના અરસામાં ડિસેમ્બર 2022 સુધીમાં 1517.31 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: BJPના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીએ કર્યું AMC તિજોરીને કરોડોનું નુકસાન
ગીર સોમનાથ ઈકો સેન્સિટિવ ઝોનમાં એન્વાયરમેન્ટ સર્ટિ વિનાના ખાણકામ બંધ કરાયા
ગીર સોમનાથ જિલ્લાના ઈકો સેન્સિટિવ ઝોનમાં કાર્યરત લીઝો અંગે ગુજરાત વિધાનસભામાં લેખિત સવાલ પૂછાયો હતો, જેમાં ખાણ ખનિજ વિભાગે જણાવ્યું હતું કે, કોડીનાર, તાલાલા અને ઉના તાલુકામાં ગીર અભ્યારણ્ય વિસ્તારના ઈકો સેન્સિટિવ ઝોનમાં સ્ટોન ક્રસર અને માઈનિંગ લીઝ ચાલે છે, સરકાર દ્વારા તેને પરવાના અપાયા હતા, જે માઈનિંગ લીઝમાં એન્વાયરમેન્ટ સર્ટિ રજૂ થયું નથી તેવી લીઝોમાં વર્ચ્યુઅલ એકાઉન્ટ બંધ કરી ખાણકામ બંધ કરાયું છે, તમામ સ્ટોન ક્રસર ધારકોને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફનું ના-વાંધા પ્રમાણપત્ર રજૂ કરવા નોટિસો પાઠવવામાં આવી છે.